મિડલ ઈસ્ટમાં તણાવ એકવાર ફરી ચરમસીમા પર પહોંચી ગયો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકી સેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ મળતાની સાથે જ 96 કલાકની અંદર ઈરાન પર મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. રિપોર્ટમાં બે વરિષ્ઠ અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, મોટા હુમલાને અંજામ આપવા માટે જરૂરી તમામ અમેરિકી સૈન્ય સંસાધનો અને સૈનિકો પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે, જોકે ટ્રમ્પે આ અંતિમ નિર્ણય પર હજુ સુધી મહોર મારી નથી.
એક વરિષ્ઠ અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, આ કોઈ સામાન્ય હુમલો નહીં, પરંતુ એક ખૂબ જ મોટું સૈન્ય ઓપરેશન હશે. પેન્ટાગોન અને યુએસ સેન્ટ્રલ કમાન્ડે માત્ર રડાર કે મિસાઈલ લોન્ચર્સ સુધી સીમિત ન રહેતા ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મુખ્ય સૈન્ય મથકો અને પરમાણુ પ્રતિષ્ઠાનોને પણ સંભવિત ટાર્ગેટ લિસ્ટમાં સામેલ કર્યા છે.
સૈન્ય યોજના સાથે સંકળાયેલા વર્તમાન અને પૂર્વ અધિકારીઓનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં તાજા હુમલાઓ અંગે આખરી નિર્ણય લેવામાં આવી શકે છે. તેના માટે સૌથી યોગ્ય સમય અમેરિકામાં યોજાનારી મિડટર્મ ચૂંટણીના તુરંત પછીનો માનવામાં આવી રહ્યો છે. જોકે, અધિકારીઓએ એ પણ ચેતવણી આપી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ પણ સૈન્ય કાર્યવાહીના પક્ષમાં દેખાયા બાદ અંતિમ ક્ષણોમાં પીછેહટ કરી ચૂક્યા છે. જો વાશિંગ્ટન અથવા ઇઝરાયલ દ્વારા ઈરાન પર ફરીથી હુમલા કરવામાં આવે, તો ઈરાન અને યમનના હૂતી વિદ્રોહીઓ તેનો અત્યંત ગંભીર અને તાત્કાલિક જવાબ આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, આ જવાબી હુમલો માત્ર ખાડી ક્ષેત્ર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ દુનિયાના અન્ય ભાગોમાં હાજર અમેરિકી કર્મચારીઓ અને સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવી શકે છે.





