કતારના દોહા શહેરમાં આયોજિત નિશાનબાજીની આઇએસએસએફ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના શૂટર્સની ત્રિપુટીએ કમાલ કરી છે. તેમણે મંગળવારે ચીનના હરીફોને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
ભારતીય ટીમે 50 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કુલ 1,659ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. ભારતીય ટીમમાં રવિન્દર સિંહ, સૌરભ ચૌધરી અને અમનપ્રીત સિંહનો સમાવેશ હતો. આ ત્રણેયમાં રવિન્દરે સૌથી વધુ 559 પૉઇન્ટ મેળવ્યા હતા, જ્યારે સૌરભના નામે 551 અને અમનપ્રીતના નામે 549 પૉઇન્ટ હતા. આ ત્રણેયના પૉઇન્ટનો સરવાળો ભારતને સુવર્ણચંદ્રક અપાવવા માટે પૂરતો હતો.
ચીનના ઝાન્ગ બિન્ગચેન, લ્યુ જુન્યી અને ફેન્ગ લિન્ગલૅન્ગની ત્રિપુટી કુલ 1,648 પૉઇન્ટ નોંધાવી શકી હતી અને ચીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. સાઉથ કોરિયા 1,643 પૉઇન્ટ સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું.વ્યક્તિગત હરીફાઈમાં રવિન્દર સિંહ સિલ્વર મેડલ પણ જીત્યો હતો. એ ઇવેન્ટમાં રશિયાનો ઍન્ટૉન ઍરિસ્તારખોફ ગોલ્ડ મેડલ અને રોમાનિયાનો લ્યૂકા જૉલ્ડીયા બ્રૉન્ઝ જીત્યો હતો.ભારત હાલમાં વિશ્વના ટોચના નિશાનબાજોની આ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ સાથે મોખરે છે.





