અમૃતસરમાં કમિશ્નરેટ પોલીસે હથિયારો અને નશીલા પદાર્થોની હેરાફેરી હરતા એક કથિત નેટવર્કનો પર્દાફાશ કરીને 11 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ, 12 પિસ્તોલ, 33 કારતૂસ અને 310 ગ્રામ હેરોઇન મળી આવ્યું છે. આ ઉપરાંત, 12 મેગેઝીન અને ચોરીની એક મોટરસાઇકલ પણ જપ્ત કરવામાં આવી છે. રણજીત એવન્યુ, છેહરટા અને સુલ્તાનવિંડ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં પકડાયેલા 11 આરોપીઓમાં બે સગીર પણ સામેલ છે.
પોલીસ લાઇન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર હરમનબીર સિંહ ગિલ, DCP પ્રભજોત સિંહ વિર્ક અને DCP જસરનજીત સિંહ તેજાએ આરોપીઓની ઓળખ જાહેર કરી હતી. પકડાયેલા લોકોમાં નવી આબાદીની નિરંકારી કોલોનીનો બોબી, તરનતારન જિલ્લાના ચીમા ખુર્દ ગામનો સંયાલ સિંહ, રતન સિંહ ચોકનો સતમોલ સિંહ ઉર્ફે ઠેકેદાર, છેહરટાના નારાયણગઢનો હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી ભૂંડી, આકાશદીપ સિંહ, આકાશદીપ સિંહ ઉર્ફે આકાશ, ભીખીવિંડનો શમશેર સિંહ ઉર્ફે શેરામ, જનડિયાળા ગુરુનો વિશાલ સિંહ ઉર્ફે કાલુ અને ભીખીવિંડનો ગુરબીર સિંહ ઉર્ફે બિલ્લા સામેલ છે. આ ઉપરાંત બે સગીરોની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ કમિશનરે જણાવ્યું કે બોબી, સમતોલ સિંહ , હરપ્રીત સિંહ, આકાશદીપ સિંહ, આકાશ, વિશાળ સિંહ અને ગુરબીર સિંહના નામે અગાઉ પણ હેરોઇનની તસ્કરી અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયેલા છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હોવાનો દાવો છે કે વિદેશમાં બેઠેલા કુખ્યાત ગેંગસ્ટર હરમનપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી જટ અને દુબઈમાં રહેતા હેરોઇન તસ્કર કરણે પંજાબના ગુનેગારો સુધી પહોંચાડવા માટે આ હથિયારો અને નશીલા પદાર્થોનો જથ્થો મોકલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાની તસ્કરોએ ડ્રોન મારફતે અટારી સેક્ટરમાં આ હથિયારો અને નશીલા પદાર્થોનો જથ્થો પાડ્યો હતો. જે આરોપીઓએ આ જથ્થો કબજે કરીને આગળ પહોંચાડવાનો હતો.






