ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-3ની ગ્રુપ-A અને ગ્રુપ-Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 1237 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ગ્રુપ-Aની 243 અને ગ્રુપ-Bની 1237 જગ્યાઓનો સમાવેશ થાય છે. સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ સારી તક છે. ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 5 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને 30 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકાશે. ગઈકાલે CCE 1ના પરિણામની જાહેરાત બાદ CCE 2ની ભરતીની જાહેરાત કરતા પ્રથમ પરીક્ષામાં રહી ગયેલા ઉમેદવારને બીજી તક મળશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3ની ગ્રુપ-A અને ગ્રુપ-Bની જગ્યાઓ પર ભરતી કરવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પ્રથમ તબક્કે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવે છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ગણિત તથા રીઝનિંગ જેવા વિષયોના પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રિલિમિનરી પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને ગ્રુપ પ્રમાણે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. ગ્રુપ-A માટે વર્ણનાત્મક અને ગ્રુપ-B માટે MCQ આધારિત મુખ્ય પરીક્ષા હોય છે.
ગુજરાત સરકાર દ્વારા અગાઉ લાગુ કરાયેલા નવા પરીક્ષા નિયમો મુજબ સચિવાલય અને બિન-સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની જુદી જુદી કેડરની જગ્યાઓ માટે સંયુક્ત રીતે CCE પરીક્ષા યોજવામાં આવે છે.ઉમેદવારો નિયત સમયમર્યાદામાં ઓજસ (OJAS) પોર્ટલ પર જઈને પોતાની શૈક્ષણિક લાયકાત અને કેટેગરી મુજબ ઓનલાઈન ફોર્મ ભરી શકે તે માટે મંડળ દ્વારા વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
——————-






