બિહારના રાજકારણમાં હંમેશા એકબીજા પર આકરા પ્રહારો કરતા નેતાઓ પટનામાં એક જ મંચ પર ઉષ્માભર્યા અંદાજમાં જોવા મળતા રાજકારણમાં નવી ચર્ચાઓ તેજ બની છે. પૂર્વ રાજ્યસભા સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વ. આર.કે. સિન્હાના નિવાસસ્થાને આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને જન સુરાજના સૂત્રધાર પ્રશાંત કિશોર આમને-સામને આવ્યા હતા. બંને નેતાઓએ હાથ મિલાવીને હસતા મોઢે વાતચીત કરી હતી, જેની તસવીર હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ મુલાકાતની સૌથી રસપ્રદ બાબત એ રહી કે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય પણ સમ્રાટ ચૌધરી અને પ્રશાંત કિશોરની બરાબર બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. રાજકીય મંચો પર રોહિણી આચાર્ય પણ આ બંને નેતાઓ પર સતત નિશાન સાધતા રહ્યા છે. ત્યારે ત્રણેય ધુર વિરોધી નેતાઓની એકસાથે બેઠેલી તસવીરે નવા સમીકરણોની ચર્ચા જગાવી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર ચૌધરી અને ભાજપ નેતા ઋતુરાજ સિન્હા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રશાંત કિશોર અવારનવાર બિહાર સરકાર અને CM સમ્રાટ ચૌધરીની નીતિઓ પર સવાલો ઉઠાવતા રહે છે, જ્યારે RJD જન સુરાજને ‘ભાજપની B-ટીમ’ ગણાવે છે. બીજી તરફ, મુલાકાતના 1 દિવસ પહેલા જ શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ પ્રશાંત કિશોર પર પ્રહાર કરતા તેમને ‘કોંગ્રેસની B-ટીમ’ ગણાવ્યા હતા. આવા રાજકીય નિવેદનો વચ્ચે મુખ્યમંત્રી અને પ્રશાંત કિશોરની આ મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ ‘હાથીના દાંત ચાવવાના અને દેખાડવાના અલગ’ જેવી ટિપ્પણીઓ કરીને ચુટકી લઈ રહ્યા છે.






