ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે અચાનક માઇક્રોસોફ્ટની ઈમેલ સેવા આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365ના સર્વર ઠપ થઈ જવાથી વિશ્વભરમાં હલચલ મચી ગઈ હતી. આ ટેક્નિકલ ખામીના કારણે ભારત સહિત દુનિયાભરના લાખો યુઝર્સને ઈમેલ મોકલવા, રિસીવ કરવા તેમજ એકાઉન્ટ લોગ-ઈન કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઓનલાઈન સેવાઓ ઠપ થવાની માહિતી આપતા પ્લેટફોરર્મના આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો, આ સમસ્યાની શરૂઆત ઈસ્ટર્ન ટાઈમ મુજબ બપોરે આશરે 1 વાગ્યે થઈ હતી. જોતજોતામાં જ યુઝર્સની ફરિયાદોનો ગ્રાફ આસમાને પહોંચ્યો હતો અને માત્ર આઉટલુક સાથે જોડાયેલી 1 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ હતી. આ ઉપરાંત, માઇક્રોસોફ્ટ 365 માટે પણ 15 હજારથી વધુ યુઝર્સે સર્વર ડાઉન હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ વૈશ્વિક આઉટેજના કારણે વિશ્વભરની સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્પોરેટ જગતનું દૈનિક કામકાજ ખોરવાઈ ગયું હતું.
આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી આપતા માઇક્રોસોફ્ટે આ આઉટેજની પુષ્ટિ કરી હતી. કંપનીએ જણાવ્યું કે, શરૂઆતમાં આ સમસ્યા માત્ર અમેરિકા પૂરતી સીમિત લાગતી હતી, પરંતુ બાદમાં તેની વ્યાપક અસર વૈશ્વિક સ્તરે જોવા મળી હતી. માઇક્રોસોફ્ટની ટેક્નિકલ ટીમ સર્વર ડાઉન થવાના મૂળ કારણની તપાસ કરવા અને કનેક્ટિવિટી વહેલી તકે પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.





