દુનિયામાં એઆઈનો ઉપયોગ વધવાની સાથે ડેટા સેન્ટરોની માગ પણ વધી રહી છે. બીજીબાજુ પર્યાવરણને થતા નુકસાનના પગલે ડેટા સેન્ટરોનો વિરોધ વધી રહ્યો છે. આવા સમયે દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપનીએ હવે અવકાશમાં ડેટા સેન્ટર બનાવવાની તૈયારી હાથ ધરી છે. આ માટે કંપનીને અમેરિકન સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. અમેરિકાની ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશને સ્પેસએક્સને અવકાશમાં ૧૦ લાખ સેટેલાઈટ તૈનાત કરવાની મંજૂરી આપી દીધી છે.
દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ તિવ્ર ગતિએ વધતા ડેટા સેન્ટરોની માગ વધી રહી છે. તેના માટે વ્યાપક પ્રમાણમાં વીજળી અને પાણીની જરૂર પડે છે અને તેની પર્યાવરણ પર વિપરિત અસર થતી હોવાથી અમેરિકા જ નહીં દુનિયાભરમાં ડેટા સેન્ટરો સામે વિરોધ વધી રહ્યો છે.લોકોના વિરોધ છતાં હવે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે અવકાશમાં ડેટા સેન્ટર બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું છે. અવકાશમાં ડેટા સેન્ટર બનાવવા માટે અમેરિકન અવકાશ નિયામક ફેડરલ કમ્યુનિકેશન્સ કમીશનએ સ્પેસએક્સને ૧૦ લાખ જેટલા ઉપગ્રહો છોડવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ હેઠળ અવકાશમાં ડેટા સેન્ટર બનાવાશે, જ્યાં કમ્પ્યુટિંગ માટે સૌર ઊર્જાનો ઉપયોગ થશે. આ સેટેલાઈટમાં એવી કમ્પ્યુટર સિસ્ટમ હશે, જે વ્યાપક પ્રમાણમાં ડેટા પ્રોસેસ કરી શકશે અને ઓપ્ટિલ લિંકની મદદથી ડેટા શૅર કરશે. ત્યાર પછી પ્રોસેસ કરાયેલો ડેટા પૃથ્વી પર મોકલાશે.
કંપનીની યોજના સન-સિંક્રોનસ ઓર્બિટ સહિત અન્ય કક્ષાઓમાં ઉપગ્રહ સ્થાપિત કરવાની છે. આ પ્રોજેક્ટનું નામ સ્ટારમાઈન્ડ રખાયું છે. તેનો આશય અવકાશમાં જ ડેટા પ્રોસેસ કરવાનો અને ધરતી પર એઆઈ સંબંધિત કામો માટે કમ્પ્યુટિંગ પાવર ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપગ્રહ ઓપ્ટિકલ લિંક મારફત એકબીજાના સંપર્કમાં રહેશે જ્યારે ઈમર્જન્સ અને બેકઅપ સંચાર માટે રેડિયો ફ્રિક્વન્સીનો ઉપયોગ થશે.એફસીસી મુજબ સ્પેસએક્સને નવેમ્બર ૨૦૩૩ સુધીમાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાનું રહેશે. વધુમાં કંપનીએ નવેમ્બર ૨૦૩૫ સુધીમાં એક લાખ એટલે કે કુલ સંખ્યાના ૧૦ ટકા ઉપગ્રહ સ્થાપિત કરવાના રહેશે. નવેમ્બર ૨૦૩૮ સુધીમાં પાંચ લાખ ઉપગ્રહોની તૈનાતી કરાશે જ્યારે નવેમ્બર ૨૦૪૦ સુધીમાં સંપૂર્ણ પ્રોજેક્ટનું કામ પૂરું કરવાનું રહેશે.
જોકે, પૃથ્વીની જેમ અવકાશમાં પણ ડેટા સેન્ટરોનો વિરોધ શરૂ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ અંગે ખગોળ વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ એફસીસીના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, સેટેલાઈટથી નીકળનારા રેડિયો તરંગો અને ગરમીથી રેડિયો તથા ઈન્ફ્રારેડ ખગોળ વિજ્ઞાનને નુકસાન પહોંચાડી શકે છે. ઉપગ્રહો વચ્ચે અથડામણ, પ્રક્ષેપણ અને વાયુમંડળમાં તેમના ફરી પ્રવેશથી થનારા પ્રદૂષણ અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.






