ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ રાજ્યમાં મોટી કાર્યવાહીમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વડોદરાના જરોદ વિસ્તારમાંથી ગુજરાત ATSની ટીમે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદસાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. આ શંકાસ્પદ આતંકી મૂળ આસામનો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આરોપી પાસેથી AK-47 રાયફલ અને 23 જીવતા કારતૂસ મળી આવતા સમગ્ર રાજ્યની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે.
સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે વડોદરાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જરોદ બસ સ્ટેન્ડ નજીક ગુપ્ત વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મૂળ આસામના રહેવાસી એવા આ શખ્સને દબોચી લીધો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી AK-47 રાયફલ તથા 23 જીવતા કારતૂસ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ATSએ તાત્કાલિક અસરથી આ ઘાતક હથિયારો કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી આ ઘાતક AK-47 રાયફલ અને કારતૂસ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો? તે દિશમાં અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે વડોદરા અથવા ગુજરાતમાં તે આ હથિયાર કોને પહોંચાડવાનો હતો? રાજ્યમાં તેના અન્ય કોઈ સાગરીતો સક્રિય છે કે કેમ? અને આ હથિયારોનો ઉપયોગ ગુજરાતમાં કે દેશના અન્ય કોઈ ભાગમાં કયા હેતુસર થવાનો હતો? તે દિશામાં પણ ગુજરાત એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.




