પાકિસ્તાન તરફથી સરહદ પર ઊભા થતા સુરક્ષાના પડકારો વચ્ચે ભારત જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પોતાની હવાઈ સુરક્ષા વધુ મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત દ્વારા પાકિસ્તાન સાથે જોડાયેલી આશરે 740 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા પર રશિયન બનાવટની અત્યાધુનિક S-400 એર ડિફેન્સ સિસ્ટમની પાંચમી બેટરી તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ પગલાથી સરહદ પર દુશ્મન દેશના ફાઇટર જેટ, મિસાઇલ અને ડ્રોન જેવા હવાઈ જોખમો સામે ભારતની સંરક્ષણ ક્ષમતા વધુ મજબૂત બનશે.
અહેવાલો અનુસાર, ભારતીય વાયુસેનાની એક વિશેષ ટીમ આગામી મહિને રશિયાની મુલાકાત લેશે. આ દરમિયાન નવી S-400 સિસ્ટમનું પ્રી-ડિસ્પેચ નિરીક્ષણ કરવામાં આવશે. નિરીક્ષણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સિસ્ટમ ભારત લાવવામાં આવશે અને ફેબ્રુઆરી 2027 સુધીમાં તેને તૈનાતી માટે તૈયાર કરવાની યોજના છે. જોકે, આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ભારત પાસે હાલમાં ચાર S-400 એર ડિફેન્સ સિસ્ટમ કાર્યરત છે. આ સિસ્ટમોમાંથી ત્રણ પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે ચોથી સિસ્ટમ આસામમાં સ્થાપિત છે. આસામમાં તૈનાત સિસ્ટમ ચીન સાથે જોડાયેલી અરુણાચલ પ્રદેશની સરહદ પર હવાઈ સુરક્ષાને મજબૂત બનાવે છે. હવે પાંચમી સિસ્ટમ જમ્મુ-કાશ્મીરમાં તૈનાત કરવાની યોજના ભારતની સરહદી સુરક્ષા વ્યૂહરચનામાં મહત્ત્વનું પગલું માનવામાં આવી રહી છે. રશિયાની S-400 ટ્રાયમ્ફ સિસ્ટમ વિશ્વની અત્યાધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાં સામેલ છે. વર્ષ 2007માં લોન્ચ થયેલી આ સિસ્ટમ દુશ્મન દેશનાં ફાઇટર જેટ, બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો, ડ્રોન તેમજ સ્ટેલ્થ વિમાનોને નિશાન બનાવી શકે છે. આ સિસ્ટમ લાંબા અંતરથી હવાઈ જોખમોને ઓળખી તેનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે.






