ભાવનગર નજીક આવેલ બુધેલ ગામના શખ્સની બોરતળાવ પોલીસે વાહનચોરીના ગુનામાં ધરપકડ કરી ૯ બાઈક કબજે કર્યા હતા.
ભાવનગર શહેર અને જિલ્લાની ઓનલાઈન વાહન ચોરીની ફરિયાદ અન્વયે બોરતળાવ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી જાણીતા ગુનેગારોને ઝડપી લેવા સીસીટીવી સર્વેલન્સ ટીમની મદદ દ્વારા વાહન ચોરી કરતા ઇસમોને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી હતી, દરમિયાન બોરતળાવ પોલીસની ટીમે જવેલ્સ સર્કલથી ધોબી સોસાયટી તરફ જવાના રોડ પર નંબર પ્લેટ વગરના બાઈક સાથે પસાર થઈ રહેલો બુધેલ ગામના રઘુ ગોવિંદભાઈ સોલંકીને અટકાવી મોટરસાયકલ અંગેના ડોક્યુમેન્ટ ની માંગણી કરતા તેની પાસે કોઈ ડોક્યુમેન્ટ ન હોય પોલીસે પોકેટકોપ મોબાઇલ એપનો ઉપયોગ કરી મોટરસાયકલ ચોરી કે પછી છળકપટથી મેળવેલું હોવાની જણાતા પોલીસને તેની પૂછપરછ કરતા રઘુભાઈએ તેના મિત્ર ભરત અને ભોલુંદિલીપભાઈ ઘોરી સાથે મળીને ભાવનગરના બોરતળાવ પોલીસ મથક અને બગદાણા પોલીસ મથક વિસ્તારમાંથી ચાર બાઇક તેમજ સુરતમાંથી ચાર બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
બોરતળાવ પોલીસે બુધેલના શખ્સના કબજામાંથી રૂ. ૨.૪૫ લાખની કિંમતમાં નવ મોટરસાયકલ કરજે કરી ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓબે ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.