તળાજાના રાળગોન ગામમાં આવેલ પાન મસાલા અને બુક સ્ટોલની દુકાનમાં તળાજા પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૪૮૦ બોટલ ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ તળાજા પોલીસ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, રાળગોન ગામમાં રહેતા નરેશભાઈ ભુસાભાઇ ગોહિલ તેની રાળગોનથી બગદાણા ગામ તરફ જવાના રોડ પર આવેલ મકાનની આગળના ભાગે બાપા સીતારામ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ અને બુકસ્ટોલની દુકાનમાં ઇંગલિશ દારૂ રાખી વેચાણ કરે છે.
આ બાતમીના આધારે તળાજા પોલીસે દરોડો પાડતા દુકાનમાં કોઈ હાજર મળી આવેલ નહીં, પોલીસે તપાસ કરતા બુક સ્ટોલમાં લાકડાના ઘોડાની પાછળના ભાગેથી ઇંગ્લિશ દારૂની ૪૮૦ બોટલ કિ. રૂ. ૧,૮૩,૧૨૦ મળી આવી હતી. તળાજા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરી હરેશ ઘુસાભાઈ ગોહિલ વિરુધ્ધ પ્રોફીબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.