ભાવનગરના રસ્તાની સ્થિતિ અને શાસક દ્વારા થઈ રહેલ પ્રશંસામાં વિરોધભાસ જણાય છે, ભાવનગરની જનતા ખરાબ રસ્તા અને સમસ્યાઓથી ત્રસ્ત બની છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ભાવનગર આવ્યા ત્યારે ચોક્કસ વિસ્તારને નવોઢાની માફક સજાવ્યો, રસ્તા રિપેર થયા, રંગરોગાન થયા પરંતુ શહેરના અન્ય વિસ્તારમાં રસ્તા સહિતની સમસ્યાને કોરાણે મૂકી દેવાઇ. આખરે ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહએ આ મુદ્દે ટ્વીટ કરતા હવે ઘમસાણ થયું છે, લોકોને લાગી રહ્યું છે કે, યુવરાજે પોતાની લાગણીનો પડઘો પાડ્યો છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ ભાવનગર અમદાવાદ હાઇવે નો વિડિયો શેર કરી પ્રશંસાના ફૂલ વરસાવ્યા હતા, સામે યુવરાજે વળતા ટ્વીટમાં ભાજપના મંત્રીઓ આવે છે ત્યારે જ રસ્તાઓ રિપેર થાય છે તેમજ શહેરના માર્ગો ખરાબ હોવાનું જણાવી અરીસો ધર્યો હતો. યુવરાજના રીટ્વીટ બાદ શાસક તરફથી વાત આગળ વધી નથી. ખુદ રાજકીય કાર્યકરોને પોતાના મનની વાત યુવરાજે કરી હોવાની પ્રતીતિ થઈ રહી છે. હાલાકી યુવરાજના આ ટ્વીટને રાજકીય રીતે પણ કેટલાક તજજ્ઞો જાેતા થયા છે!
યુવરાજે ટ્વીટ દ્વારા અરીસો દેખાડ્યા બાદ આ મુદ્દે એક પ્રાદેશિક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના મિજાજમાં જણાવ્યું હતું કે, હમણાં વડાપ્રધાન ભાવનગર આવ્યા ત્યારે તમે હજારો કરોડોની વાતો કરો છો પરંતુ તમારી પાસે એટલા પૈસા પણ નથી કે તમે ભાવનગરના રસ્તા સારા બનાવી શકો.? જેનાથી કંઇ નથી થતું તેને કાઢો. તાત્કાલિક એક્શન લો.