પાકિસ્તાનમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે એક બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બસમાં સવાર 17 લોકોના જીવતા સળગી જવાથી મોત થઈ ગયા છે. આ ઘટના કરાંચીથી લગભગ 90 કિમી દૂર નીરિયાબાદ શહેરમાં થઈ હતી. પાક અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બુધવારે સાંજે ખૈરપુર નાથન શાહ વિસ્તારમાં જઈ રહેલી એક બસમાં નૂરિયાબાદની નજીક નેશનલ હાઈવે પર આગ લાગવાથી લગભગ 17 જેટલા લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 20 અન્ય ઘાયલ થઈ ગયા છે.
પોલીસે કહ્યુ કે, ઈંટરસિટી બસમાં 50થી વધારે પુર પીડિતોને લઈ જવામાં આવી રહ્યા હતા. જે કરાંચીથી હંગામી ધોરણે બનાવેલા શેલ્ટર હોમમાં રહી રહ્યા હતા. આ તમામ પુર પીડિત ખૈરપુર નાથન શાહ પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નૂરિયાબાદની નજીક એમ-9 મોટરવે પર જમશોરો અને હૈદરાબાદની નજીક અચાનક બસમાં આગ ફાટી નિકળી હતી. હાલમાં મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે તથા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર ચાલી રહી છે.
પાકિસ્તાનની પોલીસે જણાવ્યું છે કે, આગનું કારણ હજૂ સુધી જાણવા મળ્યું નથી. જો કે, તેમને શંકા છે કે, મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. સિંધના સંસદીય સ્વાસ્થ્ય સચિવ કાસિમ સૂમરોએ આ દુર્ઘટનામાં મરનારા લોકોની સંખ્યાની પુષ્ટિ કરતા કહ્યું કે, પીડિતોમાં કમ સે કમ 12 સગીર હતા. જેમની ઉંમર 15 વર્ષ અથવા તેનાથી ઓછી હતી. બસમાં સવાર મુસાફરો ખૈરપુર નાથન શાહના એક ગામના રહેવાસી હતા.






