પ્રતિબંધિત સંગઠન PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ વધુ એક કાર્યવાહી સામે આવી છે. મહારાષ્ટ્રમાં ATSએ પનવેલમાંથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ચાર સભ્યોની ધરપકડ કરી છે. આરોપ છે કે, પ્રતિબંધિત થયા પછી પણ PFI તેના સંગઠનને આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે અને ચારેય PFIની વિસ્તરણ કરતી ટીમ સાથે સંકળાયેલા છે. બીજી તરફ સંભલના સપા સાંસદ શફીકુર રહેમાન બર્કે PFI સભ્યોની ધરપકડ બાદ RSS પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
એટીએસે કહ્યું કે, મહારાષ્ટ્ર એટીએસને પનવેલમાં પીએફઆઈના સભ્યોની મીટિંગ અંગે બાતમી મળી હતી. આ પછી ATSએ કાર્યવાહી કરીને PFIના 4 સભ્યોની પનવેલમાંથી ધરપકડ કરી હતી. ATS એટલે કે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ આ મામલાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, ગયા મહિને કેન્દ્ર સરકારે PFI પર આતંકવાદી સંબંધોના આરોપમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.
મહારાષ્ટ્ર પોલીસની આતંકવાદ વિરોધી ટીમ (ATS) દ્વારા પકડાયેલા PFI સભ્યોની સંખ્યા 25ને વટાવી ગઈ છે. તાજેતરમાં ATSએ PFIના જાલના જિલ્લા એકમના ભૂતપૂર્વ વડા શેખ ઉમર શેખ હબીબ (30)ની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) કાયદા હેઠળ ધરપકડ કરી હતી. અગાઉ 22 સપ્ટેમ્બરના રોજ, એટીએસે અનેક એજન્સીઓ દ્વારા કથિત આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સંગઠન વિરુદ્ધ દેશવ્યાપી દરોડાના ભાગરૂપે PFI સભ્યો વિરુદ્ધ ચાર કેસ નોંધ્યા હતા.