ઉમરાળા તાલુકાના રંઘોળા ગામમાં આવેલ જ્વેલર્સમાં શેર બજાર અને કોમોડિટીનું ડબ્બા ટ્રેડિંગ કરતા બે ઈસમોને એસ.ઓ. જી. પોલીસે ઝડપી લઇ મોબાઈલ ફોન, રિકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ઉમરાળા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે રંઘોળામાં આવેલ વૃંદાવન શોપિંગ સેન્ટરમાં અંબાજી જ્વેલર્સ નામની દુકાનમાં મોબાઇલ ફોનમાં શેર અને કોમોડિટી સટ્ટા ટ્રેડિંગ કરતા નીરવભાઈ રસિકભાઈ ધંધુકિયા રહે. દેવુભાગ ભાવનગર તથા કલ્પેશ પ્રવીણભાઈ મેખીયા રહે. રંઘોળા તા. ઉમરાળાવાળા મળી આવતા એસ.ઓ.જી પોલીસે તેમને તેમની પાસે શેર બજારના સોદા અંગે લાઇસન્સ અથવા સર્ટિફિકેટ માંગતા જેઓની પાસે લાયસન્સ સર્ટિફિકેટ ન હોય તેમજ મોબાઇલમાં આઈડી મારફત શેર, સોનુ, ચાંદી, ક્રૂડ વગેરેની લે વેચના છેલ્લા એક સપ્તાહ દરમિયાનનું રૂ. ૫૭,૦૦૦ નું ટ્રાન્જેક્શન તેમજ નફાની રકમનું વિવરણ મળી આવ્યું હતું.
એસ.ઓ.જી.એ ૨ મોબાઈલ ફોન, રૂ.૨૨,૫૦૦ રોકડા, હિસાબની ડાયરી સહિતનું સાહિત્ય કબજે કરી બંને વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ બી તથા સિક્યુરિટી કોન્ટ્રાક્ટર (રેગ્યુલેશન) એક્ટ ૧૯૧૯ની કલમ ૧૯, ૩(૧) એફ.આઇ. મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.