ઈઝરાયલ જેવા તાકાતવાર દેશમાં ફરીવાર બેન્જામીન નેતન્યાહુની વાપસી થઈ છે, નેતન્યાહુની જીત દુનિયાભરમાં છવાયેલી છે અને પીએમ મોદી પણ તેમની જીતથી ખુશ દેખાઈ રહ્યા છે. ઈઝરાયલમાં ફરીથી દક્ષિણપંથી તાકાત સત્તા પર આવી છે, નેતન્યાહુના ગઠબંધન દળો દ્વારા બહુમત હાંસલ કરી લેવામાં આવ્યું છે જેમાં 120 સીટો માંથી 64 સીટ સાથે સરકાર બનવા જઈ રહી છે. સમગ્ર ઈઝરાયલમાં જશ્નનો માહોલ છે, ઈઝરાયલના નિવર્તમાન પ્રધાનમંત્રી લાપીડે હાર સ્વીકારી અને નેતન્યાહુને ફોન પર જીતની શુભકામના આપી. ઈઝરાયલમાં હવે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. જોકે નોંધનીય છે કે ઈઝરાયલમાં છેલ્લા ત્રણ વર્ષથી પરિસ્થિતિ ખરાબ છે, વારંવાર ગઠબંધન દળો સાથ છોડવાના કારણે ત્રણ જ વર્ષમાં પાંચ વખત ચૂંટણી કરવી પડી છે. દર વખતે ઈઝરાયલમાં નાની નાની પાર્ટી ભેગી થઈને સરકાર બનાવે છે. જોકે હવે આશા છે કે નેતન્યાહુ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે.
નોંધનીય છે કે વર્ષો સુધી ઈઝરાયલના પીએમ પદ પર રહ્યા બાદ વર્ષ 2021માં નેતન્યાહુની સાથી પાર્ટીઓએ તેમને સત્તાથી બહાર કર્યા હતા. નેતન્યાહુ સતત 12 વર્ષ સુધી અને કુલ 15 વર્ષ સુધી દેશની સત્તા પર રહ્યા છે.





