કાળાનાણાં બહાર લાવવા લાગુ કરાયેલી નોટબંધી અને રોકડ વ્યવહારો રોકવા માટે ‘ડીજીટલ’ને વેગ જેવા ઘટનાક્રમો વચ્ચે પણ ‘રોકડનો લગાવ’ અકબંધ છે. 21 ઓકટોબરે રોકડ નાણાનું સરકયુલેશન 30.88 લાખ કરોડ પર પહોંચી ગયુ છે જે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે. નોટબંધીના છ વર્ષ પછી પણ રોકડ નાણાનું ચલણ ભરપુર હોવાની સાબીતી છે. 4 નવેમ્બર 2016ના પખવાડીયાની સરખામણીએ પ્રવર્તમાન રોકડ 71.84 ટકા વધુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ ભ્રષ્ટાચાર તથા કાળા નાણાંને ડામવાના ઉદેશ્ય સાથે નોટબંધીનું એલાન કર્યુ હતું અને રૂા.500 તથા 1000ના દરની નોટો પર પ્રતિબંધ મુકી દીધો હતો. દેશમાં રોકડનું ચલણ ઘટાડવાનો પણ ઈરાદો હતો. આ પગલાને અર્થાત ખરાબ તથા સફળ થઈ ન શકે તેવુ ગણાવીને નિષ્ણાંતો-અર્થશાસ્ત્રીઓએ ટીકા પણ કરી હતી.ભારતીય રિઝર્વ બેંકે જારી કરેલા પખવાડીક રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે 21 ઓકટોબરની સ્થિતિએ રોકડ ચલણ 30.88 લાખ કરોડના સ્તરે પહોંચ્યુ હતું તે નોટબંધી પુર્વે 4 નવેમ્બર 2016ના રોજ 17.7 લાખ કરોડ હતું.
રોકડ સરકયુલેશનનો અર્થ સામાન્ય લોકો દ્વારા રોજીંદી લેવડદેવડમાં તથા વેપારીઓ-સેવાક્ષેત્રમાં થતા રોકડ વ્યવહારો આવી જાય છે. કુલ રોકડમાંથી બેંકોમાં રહેલા નાણાંની બાદબાકીના આધારે લોકો પાસે રોકડ નાણાંનો આંકડો ખુલ્લો પડે છે. મહત્વની વાત એ છે કે છેલ્લા અમુક વર્ષોમાં રોકડને બદલે ડિજીટલ વ્યવહારોનો ટ્રેન્ડ વધ્યો છે. ડીજીટલ લેવડદેવડમાં વૃદ્ધિ હોવાની સાથોસાથ રોકડનો ઉપયોગ પણ સતત વધતો હોવાનું સાબીત થાય છે. રીઝર્વ બેંકના રીપોર્ટ પ્રમાણે નોટબંધી પછીના છ વર્ષોમાં લોકો પાસેની રોકડમાં 13.18 લાખ કરોડનો ધરખમ વધારો થયો છે
તેનો અર્થ એવો થાય છે કે છ વર્ષમાં રોકડમાં 71.84 ટકાની વૃદ્ધિ થઈ છે. રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે જીડીપામાં ડીજીટલ પેમેન્ટનું પ્રમાણ વધ્યુ હોવા છતાં રોકડ ઘટી હોવાના કોઈ સંકેત નથી. જો કે, સામે મહત્વની વાત એ પણ છે કે સમગ્ર વર્ષમાં સૌથી વધુ રોકડ વ્યવહારો થાય છે તેવા દિવાળીના તહેવારોના પખવાડીયા દરમ્યાન રોકડ સરકયુલેશનમાં 7600 કરોડનો ઘટાડો થયો હતો. છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત આવુ બન્યુ હતું. આ પુર્વે 2008-09ની આર્થિક મંદીને કારણે આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો હતો.
બેંકોમાં રોકડ જમા કરાવવાના બદલે લોકો ઘરમાં જ સાચવે છે!
રિઝર્વ બેંકના પૂરક રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે 21 ઓકટોબર 2022ની સ્થિતિએ ભારતીય બેંકોની લોનબુકમાં 17.9 ટકાની વૃદ્ધિ થઈ છે જયારે થાપણ વૃદ્ધિદર 9.5 ટકા રહ્યો છે. ઓકટોબર પુર્વેના બે સપ્તાહ દરમ્યાન બેંક થાપણોમાં 60116 કરોડનો ઘટાડો થયો હતો. ઓકટોબરના પ્રથમ પખવાડીયામાં બેંકોની બાકી લોન 29086 કરોડ વધીને 128.89 લાખ કરોડ થઈ હતી તેનો સીધો અર્થ એવો થાય છે કે લોકો રોકડ રકમ બેંકોમાં જમા કરવાના બદલે ઘરમાં જ સાચવી રહ્યા છે.