શનિવારે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ATS, ક્રાઈમ બ્રાન્ચ અને GST દ્વારા સંયુક્ત દરોડા કરી 115 પેઢીઓના 205 સ્થળો પર તપાસ હાથ ધરાઇ હતી, જેમાં ભાવનગરમાં 18 પેઢીના 21 સ્થળોએ તપાસ કરાઈ હતી જે પૈકી પ્રાથમિક તબક્કે 4પેઢી બોગસ જણાઈ છે જ્યારે અન્ય 3 પેઢી મળી આવેલ નથી. હાલ 14લોકોની પૂછતાછ કરી જવા દેવાયા છે, જો 5કરોડથી વધારે ડ્યુઝ નીકળશે તો ધરપકડ થશે.
જીએસટીની ગેરરીતિઓ ડામી દેવા માટે હવે જીએસટી તંત્ર અને પોલીસ તંત્ર સંયુક્ત કામગીરી કરી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં સ્ટેટ જીએસટી અને પોલીસ તંત્રની બનેલી ટીમો દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં ભાવનગર ખાતે 21 સ્થળોએ 18 પેઢીઓમાં ચકાસણી કરાઈ હતી.
છેલ્લા 2 મહિના દરમિયાન સ્ટેટ જીએસટી તંત્ર દ્વારા પકડવામાં આવેલા કરચોરીના આરોપીઓ પાસેથી મળી આવેલા ડીજીટલ ડેટાના આધારે ભાવનગરમાં શનિવારે સવારથી જ પોલીસ તંત્ર અને સ્ટેટ જીએસટીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.શનિવારે પોલીસ તંત્ર અને સ્ટેટ જીએસટીના સંયુક્ત દરોડામાં ભાવનગર શહેરના કરચલીયા પરા, સાંઢીયાવાડ, હાદાનગર, તિલકનગર, વડવા, અલંગ સહિતના સ્થળોએ મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી છે, અને 14 શખ્શોને સ્ટેટ જીએસટી કચેરીએ લાવી તેઓની આગવી ઢબે પુછપરછ કરવામાં આવી હતી. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં જીએસટી સંબંધિત ગેરરીતિઓની ચકાસણી રવિવારે પણ ચાલુ રહેશે અને સંભવત: આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
કૌભાંડીઓ ચેતે, દર 15 દિવસે થઈ રહ્યો છે રિવ્યૂ : કમિશનર યાજ્ઞિક
ભાવનગરમાં બહુ ચગેલી જીએસટી ની બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ લેવાની પ્રવુતીનેં ઝડ મૂળથી ડામવા તંત્ર કામે લાગ્યું છે. હાલ કોમ્યુટર આધારિત સિસ્ટમ કામ કરતી હોય ખોટું કરનારને ઝડપી લેવા તંત્ર માટે પણ સરળ બન્યું છે. ભાવનગર જીએસટીના સંયુક્ત કમિશનર ધર્મજીત યાજ્ઞિકે એક વાતચીતમાં જણાવ્યું કે, લોકો ખોટી પ્રવુતીનાં રવાડે ન ચડે, આર્થિક લાભ અને પ્રલોભન મર્યાદિત સમય માટે હોય છે, હાલ તંત્રની વીજીલન્સ ટીમ દ્વારા દર 15 દિવસે રિવ્યૂ કરી શંકાસ્પદ પેઢીઓ પર નજર રાખવામાં આવી રહી છે, જેવા કોઈ માતબર રકમના બિલ ઇસ્યુ થશે એટલે તુરંત તંત્રના ધ્યાને આવશે.