મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે કહ્યું કે, તેઓ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના પક્ષમાં છે. બરવાનીમાં એક રેલીમાં જાહેરાત કરતા તેમણે કહ્યું કે, ‘સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે. હું મધ્યપ્રદેશમાં UCC લાગુ કરવા માટે એક સમિતિ બનાવી રહ્યો છું. હવે બધા માટે એક જ લગ્ન છે. તેમણે કહ્યું, “હું દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના પક્ષમાં છું. અમે મધ્યપ્રદેશમાં પણ એક સમિતિની રચના કરી રહ્યા છીએ. PESA કાયદા હેઠળ ગ્રામસભા એવા લોકો સામે પગલાં લઈ શકશે જેઓ લગ્ન જેવા પવિત્ર બંધનના નામે આદિવાસી ભાઈ-બહેનોની જમીન હડપ કરવાની છેતરપિંડી કરે છે.”
મુખ્યમંત્રીએ કહ્યું કે હું, એ વાતના પક્ષમાં છું કે હવે સમય આવી ગયો છે કે ભારતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવે. શા માટે કોઈએ એક કરતાં વધુ લગ્ન કરવા જોઈએ? એક દેશમાં બે બંધારણ કેમ છે, એક જ હોવું જોઈએ. હું મધ્યપ્રદેશમાં પણ એક સમિતિ બનાવી રહ્યો છું. જો યુનિફોર્મ સિવિલ કોડમાં એક જ પત્ની રાખવાનો અધિકાર છે, તો બધા માટે એક જ પત્ની હોવી જોઈએ.
મહત્વનુ છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે બરવાની જિલ્લાના ચાચરિયામાં PESA એક્ટને લઈને જન જાગરણ સંમેલનમાં સામાન્ય સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે લોકોને પેસા એક્ટ વિશે જાણકારી આપી હતી. શિવરાજ સિંહે મંચ પરથી એ પણ સ્પષ્ટ કર્યું કે, PESA એક્ટ શહેરોમાં લાગુ થશે નહીં. આ દરમિયાન તેમણે મંચ પરથી કહ્યું કે, કોઈપણ પ્રકારના માફિયાઓને બક્ષવામાં આવશે નહીં. સાથે જ તેણે કહ્યું કે, અમે એવો કાયદો લાવવા જઈ રહ્યા છીએ જેમાં કોઈ વ્યક્તિ બીજા લગ્ન કરી શકશે નહીં.
મજાની વાત એ છે કે, મુખ્યમંત્રીએ બરવાનીમાં આ જાહેરાત કરી છ. સ્થાનિક ધારાસભ્ય અને પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલ બરવાનીથી આવે છે તે આદિવાસીઓ માટે અનામત બેઠક છે. તેમના ચૂંટણી એફિડેવિટમાં જ તેમની 4 પત્નીઓનો ઉલ્લેખ છે.