ભાવનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધુ એક વખત જીવલેણ બની છે ત્યારે આખરે ભાવનગર મહાપાલિકાએ કડક કાર્યવાહી માટે ખોખારો ખાધો છે. ગઇકાલે મ્યુ. કમિશનરે રખડતા ઢોરના નિયંત્રણ માટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાં બાદ આજથી તંત્ર એક્શન મોડમાં આવી ગયું હોય તેમ પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાંથી રખડતા ઢોરને ડબ્બે પુરવાની કામગીરીને વેગ અપાયો છે. સોમવારથી રઝકા ડ્રાઇવને પણ અસરકારક બનાવવા દરેક વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરને પાવર્સ આપી પોલીસ એફ.આઇ.આર. કરવા સુધીની કાર્યવાહી માટે કમિશનર ઉપાધ્યાયે સુચના આપી છે. આમ આ વખતે ભાવનગર મહાપાલિકા તંત્ર માત્ર જાહેરનામુ પ્રસિદ્ધ કરીને સંતોષ માનવાનું નથી, કડક કાર્યવાહી પણ કરશે તે હાલ જણાઇ રહ્યું છે !
ભાવનગરમાં રખડતા ઢોરના અસહ્ય ત્રાસ મામલે નગરજનો વ્યાપક મુશ્કેલી ભોગવી રહ્યા છે. અસંખ્ય નગરજનોના હાડકા ખોખરા થયા છે ત્યારે લાંબા સમયની માંગણી બાદ ગઇકાલે એક યુવાનનો ભોગ લેવાતા મ્યુ. તંત્ર જાણે નિંદરમાંથી જાગ્યું હોય તેમ ગઇકાલે સાંજે જ મ્યુ. કમિશનરે રખડતા ઢોરને નિયંત્રણમાં રાખવા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરી કાયદાની લક્ષ્મણરેખા દોરી સબંધિતોને ચેતવ્યા છે. મ્યુ. તંત્રએ રખડતા ઢોરના માલિકો ઉપરાંત રઝકો વેચનાર તેમજ ખવડાવનાર સહિતના સામે કાર્યવાહી માટે નિર્દેશ આ જાહેરનામામાં આપ્યો છે અને આજે અસરકારક કામગીરીના ભાગરૂપે ભાવનગરમાં રાજમાર્ગો ઉપર રખડતા પશુઓને ડબ્બે પુરવા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી તેજ બનાવાઇ હતી. આજદિન સુધી માત્ર આખલાઓને ડબ્બે પુરતું તંત્ર હવે ગાયોને પણ પકડીને ડબ્બે ધકેલી રહ્યું છે આથી તેની અસર વધુ રહેશે તેમ જણાય છે.
મ્યુ. કમિશનર ઉપાધ્યાયે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, પશુઓને જાહેર રસ્તા પર રઝકો તેમજ એઠવાડ સહિતની ખાદ્ય સામગ્રી મળી રહે છે આથી માલિકો પણ તેને રખડતા મુકવા પ્રેરાય છે. આ પશુઓ રાહદારીઓના જીવ લઇ રહ્યા છે. ત્યારે પશુઓને છુટા મુકનાર માલિકો જેટલા જ જવાબદાર રઝકો વેચનાર અને ખવડાવનાર પણ છે આથી તંત્ર દ્વારા રઝકો વેચનાર અને ખવડાવનાર સામે પણ કડક કાર્યવાહી કરવા ગંભીર વિચારણા ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, દરેક વોર્ડમાં સેનેટરી ઇન્સ્પેક્ટરને પશુ નિયંત્રણ માટે ફરજ સોંપી જરૂર પડે ત્યાં એફ.આઇ.આર. કરવા સુચના આપી છે અને આ માટેના સ્પેશ્યલ પાવર્સ પણ આપી દેવાશે. વધુમાં પોલીસ તંત્રનો પૂર્ણ સહયોગ મળી રહે તે માટે પોતે પોલીસ સુપ્રિટેન્ડન્ટ (એસ.પી.) સાથે પરામર્શમાં છે.
શહેરમાં પશુ ટેગીંગની કામગીરી નહીવત
ભાવનગર શહેરમાં એક અંદાજ મુજબ ૫૦૦ જેટલા પશુઓનું રજીસ્ટ્રેશ અને ટેગીંગ થયું છે. રજીસ્ટ્રેશન માટે પશુપાલકો આગળ આવતા નથી. વર્ષ ૨૦૧૭-૧૮માં પશુ વસ્તીની ગણતરીમાં ભાવનગરમાં ૭ થી ૮ હજાર ગૌવંશ નોંધાયા હતાં તેની ગણતરીમાં જે પશુનું ટેગીંગ થયું છે તે માત્ર પાંચ ટકા પણ નથી. આથી મ્યુ. કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી શહેરી વિસ્તારમાં દરેક પશુનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવા જણાવ્યું છે.
એક માસમાં પશુઓની નોંધણી ફરજીયાત- કમિશનરનું જાહેરનામુ
ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલનનો ધંધો કરતા પશુપાલકો તથા માલધારીઓને જાણ કરવાની કે ધી.જી.પી.એમ.સી. એકટની અનુસુચિ – ક, પ્રકરણ -૧૪ ના નિયમ -૨૨,૨૩,૨૪ અને કલમ -૩૭૬ ની જાેગવાઇઓ મુજબ ચો-પગા પ્રાણીઓની નોંધણી/રજીસ્ટ્રેશન કરાવવું અને તે સંબંધેના પરવાના લેવા ફરજીયાત હોય જાહેરનામું પ્રસિધ્ધ થયાથી એક માસમાં પોતાના પશુઓની નોંધણી કરાવી પરવાનો લેવો. પશુઓનું યોગ્ય રીતે સંવર્ધન કે ઉછેર કરવાને બદલે છુટા મૂકી શહેરીજનોને નિવારી ન શકાય તેવુ આરોગ્ય અને સલામતિ જાેખમાય તેવું નુકશાન કરવામાં આવી રહેલ છે. હાલમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા, ફુટપાથ અને ધાર્મિક સ્થળો આસપાસ ઘાસચારો વેચવાની કામગીરીમાં વધારો થયો છે જે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં પણ અવરોધરૂપ જણાય છે અને જાહેર જગ્યા પર ગંદકી તથા દબાણ પણ સર્જાય છે આથી ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાયસન્સ/પરવાના મેળવ્યા સિવાય ચો-પગા પશુઓ રાખવા તેમજ જાહેર રસ્તા / ફૂટપાથ જાહેર સ્થળો ઉપર છુટા મુકવા તેમજ જાહેર માર્ગ, ફુટપાથ તથા જાહેર સ્થળો પર કોઇપણ વ્યકિત દ્વારા ઘાસચારાનુ વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો/ગંદો પદાર્થ ખવડાવવો અથવા ખવડાવવા દેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ હુકમનો ભંગ, ઉલ્લંઘન કરનાર ઇસમો ધી જી.પી.એમ.સી. એકટ -૧૯૪૯ તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ તથા ભારતીય ફોજદારી અધિનિયમ -૧૮૬૦ અન્વયે રાજય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનુ પાલન ન કરવા બાબત તેમજ ત્રાસદાયક કૃત્ય કરવા માટેની ફરિયાદ અન્વયે શિક્ષા મુજબ શિક્ષાપાત્ર થશે. આ હુકમ ભાવનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં લાગુ પડશે.






