ચીનમાં ફરીથી વકરેલી કોરોના મહામારીની પરિસ્થિતિ બાદ ભારત સરકાર એલર્ટ મોડમાં છે. તમામ મેડિકલ સુવિધાઓની ચકાસણી માટે મૉક ડ્રીલ પણ કરવામાં આવી. હવે એર ઈન્ડિયા એક્સપ્રેસે યુએઈથી આવતા મુસાફરો માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં લોકોને કોરોના અનુરુપ પોતાનો વ્યવહાર કરવા કહેવામાં આવ્યુ છે અને ઘણી સાવચેતીઓ રાખવાનુ કહ્યુ છે.
એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને લખ્યુ કે યુએઈથી આવતા મુસાફરો કૃપા કરીને નોંધ લો. બધા મહેમાનોએ વેક્સીન લીધેલી હોવી જરુરી છે. બધા મહેમાનોએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને તમામ એન્ટ્રી પોઈન્ટ પર ફીઝિકલ ડિસ્ટંસનુ પાલન કરવાનુ રહેશે. મુસાફરોએ આગમન પહેલા પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી, કોઈપણ લક્ષણોના કિસ્સામાં તેઓએ નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી અથવા નેશનલ હેલ્પલાઈન નંબર 1075 પર કોલ કરવો. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આગમન પછી રેન્ડમ ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યુ નથી. જો ભારત પહોંચતા તેમનામાં લક્ષણો જોવા મળે તો પ્રોટોકોલ મુજબ તેમની તપાસ કરવામાં આવશે અને સારવાર કરવામાં આવશે. આ માર્ગદર્શિકા 24 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવી છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસનુ મુખ્યાલય કોચીમાં છે અને તે ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય બજેટ એરલાઈન છે, જે મધ્ય પૂર્વથી દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે, જે એર ઇન્ડિયાની માલિકીની છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરતા 2 ટકા મુસાફરોના રેન્ડમ પરીક્ષણ વિશે વાત કરી હતી. ઉડ્ડયન મંત્રાલયે 24 ડિસેમ્બરથી તેને લાગુ કરી દીધી છે.