ઝારખંડમાં સ્થિત જૈનોના પવિત્ર યાત્રાધામ સમ્મેદ શિખરજીને બચાવવા માટે દેશભરમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે પણ મધ્યસ્થી કરવાનો ફેંસલો લીધો હોય તેમ જૈન સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી છે અને તેમાં કોઈ માર્ગ કાઢવામાં આવે તેવી શકયતા છે.
જૈનોના તીર્થધામ સમ્મેદ શિખરજીને પ્રવાસધામ તરીકે વિકસાવવાનો ઝારખંડ સરકારના નિર્ણય સામે દેશભરમાં જૈન સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને તમામ શહેરોમાં મહારેલી યોજવામાં આવી રહી છે. ગઈકાલે મુંબઈમાં પણ વિરાટ મહારેલી યોજવામાં આવી હતી. ઝારખંડ સરકારનો નિર્ણય રદ ન થાય અને સમ્મેદ શિખરજીને પ્રવાસધામને બદલે તીર્થસ્થાનનો દરજજો આપવામાં ન આવે ત્યાં સુધી દેશવ્યાપી આંદોલન વધુ તેજ બનાવવાનું એલાન કરવામાં આવ્યું હતું.
છેલ્લા એકાદ અઠવાડીયાથી ચાલી રહેલા આંદોલન વચ્ચે હવે કેન્દ્ર સરકારે મધ્યસ્થી કરવાનો નિર્ણય લીધો હોય તેમ આજે દેશભરના જૈન સમાજનાં પ્રતિનિધિઓને તેડાવવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યું છે કે કેન્દ્રના પર્યાવરણ અને વન તથા જલવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા જૈન સમાજનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી છે. જૈનોની ચિંતા અને દલીલોને સાંભળવામાં આવશે. બીજી તરફ લઘુમતી પંથ દ્વારા સમ્મેદ શિખરજી વિવાદ પર 17 મી જાન્યુઆરીએ સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પંથ દ્વારા ઝારખંડ સરકારને પોતાનો પક્ષ રજુ કરવા માટે કહેવામાં આવ્યુંં છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કુલ વસ્તીના 0.4 ટકા સંખ્યા ધરાવતો જૈન સમુદાય લઘુમતી શ્રેણીમાં આવે છે.
છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે ઝારખંડમાં પણ લડતનું એલાન કરવામાં આવ્યું છે.ઝારખંડના ગીરીડીહ જીલ્લામાં સમ્મેદ શિખરજી આવેલુ છે. આજે જીલ્લાના મધુવનમાં જૈન સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ પૂર્વે મંગળવારે રાંચીમાં રાજભવન સુધી માર્ચ યોજવામાં આવી હતી અને તેમાં સેંકડોની સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટયા હતા. આજના કાર્યક્રમમાં રાજયભરનાં જૈન સમાજના લોકો એકત્રીત થવાના છે.