ભાવનગર સોમનાથનો રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ અંતિમ તબક્કામાં પહોચ્યું છે પરંતુ નવા હાઇવેને લઈને લોક માનસમાં ઉઠેલા કેટલાક પ્રશ્નો હજુ અનુત્તર રહ્યા છે, આ મામલે તંત્ર વાહકો સ્પષ્ટતા કરે તેની રાહ જાેવાઇ રહી છે. જેમ કે દરેક ગામમાંથી પસાર થતા હાઇવેને ઓળંગવા સર્વિસ રોડ અને નાળું મળવું જાેઈએ. પરંતુ આમ બન્યું નથી.
ભંડારિયામાં હાલ આ પ્રશ્ન ઊભો થયો છે, આ કારણે ભંડારિયાથી મેલકડી, ખોખરા સહિતના ગામોમાં જવા માટે લોકોએ મોતને મુઠ્ઠીમાં લઈને વાહનોથી ધમધમતો હાઇવે ઓળંગવો પડે છે. જેનો ઉકેલ લોકો ઈચ્છી રહ્યા છે. બીજું એ કે બુધેલના સિમાડેથી અલંગ, તળાજા, મહુવા અને છેક સોમનાથ સુધી જવા માટે નીચે નાળામાંથી વાહનોને પસાર થવું ફરજીયાત છે. જે નાળામાંથી બહાર નીકળી વાહનોને વળાંક લેવા માટે યોગ્ય પર્યાપ્ત જગ્યા નથી. આથી મહાકાય વાહનોને અહીથી પસાર થવું અગ્નિ પરીક્ષા સમાન છે.!
રવિવારે સવારે મશીનરી ભરીને નીકળેલ એક ટ્રેલર અહી નાળામાં ફસાયું હતું. વળાંક માટે યોગ્ય જગ્યા નહિ હોવાનું આના પરથી પુરવાર થયું હતું. કરોડો રૂપિયાના ખર્ચે કરેલા રોડના વિકાસ કામમાં આ મુદ્દો ધ્યાને આવ્યો નથી કે દીર્ઘ દૃષ્ટિનો અભાવ છે.?!