નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. હવે તેને અમૃત ઉદ્યાનના નામથી ઓળખવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન પોતાની સુંદરતા માટે જાણીતુ છે. મુગલ ગાર્ડનને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસી આવે છે.
મુગલ ગાર્ડનમાં 138 જાતના ગુલાબ, 10 હજારથી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 અલગ અલગ પ્રજાતિના લગભગ 5 હજાર ફૂલોની પ્રજાતી છે. આ ગાર્ડનને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સામાન્ય લોકો માટે ખુલ્લો મુક્યો હતો, ત્યારથી આજ સુધી દર વર્ષે સ્પ્રિંગ સીઝનમાં તેને જનતા માટે ખોલવામાં આવે છે.
15 એકરમાં ફેલાયેલા આ ગાર્ડનનું નિર્માણ બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. કહેવત છે કે મુગલ ગાર્ડન દેશના રાષ્ટ્રપતિ ભવનની આત્મા છે. મુગલ ગાર્ડનનો એક ભાગ ખાસ ગુલાબની જાત માટે જાણીતો છે. અંગ્રેજી આર્કિટેક્ચર સર એડવર્ડ લુટિયન્સ દ્વારા રાષ્ટ્રપતિ ભવન અને મુગલ ગાર્ડનને ડિઝાઇન કરવામાં આવ્યું હતું.