કેન્દ્રીય જળ મંત્રાલય દ્વારા ગુજરાતમાં ૧૩ દીવાદાંડીને વૈશ્વિક સ્તરનું નઝરાણુ બનાવવા પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ પ્રોજેક્ટમાં ભાવનગર જિલ્લાની બે દીવાદાંડીને સમાવાઇ છે. હાલના તબક્કે કેન્દ્રએ પીપીપી ધોરણે દીવાદાંડીનું પ્રમોશન કરવા નક્કી કર્યું છે જેમાં બે ખાનગી કંપનીઓએ રસ દાખવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દીવાદાંડીના વિકાસ થકી કોસ્ટલ ટુરીઝમ વિકસે અને દરિયા કાંઠાના લોકોને રોજગારી મળી રહે તેવો આ પ્રયાસ છે. જેમાં ભાવનગર જિલ્લાની પીરમબેટ ટાપુ પરની તેમજ વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં આવેલ દીવાદાંડીને ટુરીસ્ટ પ્લેસ તરીકે વિકસાવવા નિર્ણય થયો છે.
સમુદ્ર તટે રહેલી દીવાદાંડી વર્ષોથી વહાણો અને દરિયા ખેડૂ માટે એક અતિ જરૂરી સાધન છે. દરિયામાં ભુલા પડેલા વહાણો માટે તે ગાઇડની ભૂમિકા ભજવે છે. મોટાભાગના ટુરીસ્ટોને દીવાદાંડી વિશે ઓછો ખ્યાલ છે ત્યારે કેન્દ્ર સરકારે પ્રવાસના માધ્યમથી ટુરીસ્ટો દીવાદાંડી વિશે જાણી શકે ઉપરાંત કોસ્ટલ ટુરીઝમ વિકસે અને સ્થાનિક લોકોને રોજગારી મળે તેવા હેતુસર લાઇટ હાઉસ પ્રોજેક્ટ વિચાર્યો છે. જેમાં કેન્દ્રીય જળ મંત્રાલયે ગુજરાતના ૧૩ દીવાદાંડીની પસંદગી કરી છે જેમાં પીરમબેટ, અલંગ ઉપરાંત માંડવી, જાફરાબાદ, જેગડી, ઓખા, સામીયાણી, દાવલપીર, કચ્છીગઢ, પોરબંદર, માંગરોળ, વલસાડ ખાડી અને હજીરાની દીવાદાંડીનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અનુસાર દીવાદાંડીને ટુરીસ્ટ ડેસ્ટીનેશન તરીકે પ્રમોટ કરી તબક્કાવાર પ્રોજેક્ટ આગળ ધપાવાશે અને વૈશ્વિક સ્તરનું નઝરાણુ બનાવવા પ્રયાસો થશે. ભાવનગર જિલ્લામાં સમુદ્ર મધ્યે આવેલ પીરમબેટ ટાપુ આગવી ઓળખ અને વિશેષતા ધરાવે છે ત્યારે કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટથી પીરમબેટના વિકાસ અને પ્રવાસનને ચોક્કસ વેગ મળશે તેવી આશા જન્મી છે.