ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી તાપમાનમાં મોટી વધઘટ ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી ગરમ પવન ફૂંકાવાનું શરૂ થતાની સાથે જ તાપમાનનો પારો પણ ઉચકાવવા લાગ્યો છે અને હજુ ફેબ્રુઆરી માસના ૧૬ દિવસ જ વીત્યા છે ત્યાં મહત્તમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીને વટાવી જતા બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે રાત્રિના સમયે લઘુતમ તાપમાન એક જ દિવસમાં દોઢ ડિગ્રી કરતાં પણ ઘટીને ૧૬.૧ ડિગ્રી થતા રાત્રિના ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે આમ છેલ્લા એકાદ અઠવાડિયાથી ભાવનગરમાં અનુભવાય રહેલા બેવડી ઋતુના કારણે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે.
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ઘરની સાથે સાથે ભાવનગરમાં પણ હવે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ ઉનાળાનો પ્રારંભ એકાએક ધમાકેદાર થતા લોકો શરૂઆતથી જ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યભરના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં એકાએક વધારો થવા પામ્યો છે ગરમ પવન ફૂંકાવાની શરૂઆત થતા જ તાપમાનનો પારો ઉચકાયો છે અને ગઈકાલે ગુરુવારે દિવસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયુ છે જેમાં ભુજમાં સૌથી વધુ ૪૦ ડિગ્રી અને રાજકોટમાં ૩૯ ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યુ છે જ્યારે ભાવનગર શહેરની વાત કરીએ તો ગુરુવારે દિવસનું તાપમાન ૩૫.૧° નોંધાયુ હતુ અને આજે સવારે રાત્રિનું તાપમાન ૧૬.૧ ડિગ્રી નોંધાયુ છે આમ દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુના કારણે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યા છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આકરી ગરમી પડતા ઉનાળાની મધ્યમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી જવા શક્યતાઓ જણાઈ રહી છે.