માનહાની કેસમાં બે વર્ષની સજાને પગલે રાહુલ ગાંધીએ સાંસદ તરીકેનું પદ પણ ગુમાવવું પડયું છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને રાહુલ ગાંધીના જામીનદાર હસમુખ દેસાઈએ નવો ઘટસ્ફોટ કર્યો છે.તેમનો દાવો છે કે કોર્ટમાં ચુકાદા પૂર્વે એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીને કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા માફી માંગવા અંગે સમજાવવામાં આવ્યા હતા.જોકે, રાહુલ ગાંધી આ મુદ્દે અડગ રહ્યા હતા અને માફી માંગવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને રાહુલ ગાંધીના જામીનદાર હસમુખ પટેલનો વિડીયો આજે સોસ્યલ મીડીયામાં વાયરલ થતા ભારે હોબાળો મચ્યો છે. હસમુખ દેસાઈએ વિડીયોમાં જણાવ્યું હતું કે માનહાની કેસમાં ચુકાદા પૂર્વે સુરત પહોંચેલા રાહુલ ગાંધીને એરપોર્ટ ખાતે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા માફી માંગવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસી નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે કોર્ટનો ચુકાદો ગમે તેની તરફેણમાં આવી શકે છે પરંતુ જો તેઓ માફી માંગે તો તે તેમના હિતમાં રહેશે. અલબત, રાહુલ ગાંધીએ આ મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો.
રાહુલ ગાંધીએ એવુ કહ્યું કે, તેઓ દેશ માટે લડતા રહ્યા છે અને હજુ લડતા રહેશે. કોઈ સમાજની લાગણી દુભાય તેવી વાત તેઓએ કરી જ નથી. દેશના કોઈપણ સમાજ સામે મારો કોઈ વિરોધ નથી. દેશને લુંટનારાઓ સામે મારી લડત યથાવત રહેશે અને તેના માટે મારે જે કંઈપણ પરીણામ ભોગવવા પડે તે માટે હું તૈયાર છુ.કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. ચુકાદાના બીજે દિવસે તેઓને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.



