ગુજરાતમાં ઉનાળો અને ચોમાસું સાથે ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. એપ્રિલ શરૂ થયાને પાંચ દિવસ થયા છે. ત્યારે આ મહિને પણ વારંવાર વાતાવરણમાં પલટો આવવાના એંધાણ છે. એપ્રિલ શરું થયો છે હજુ તો ઉનાળાની ગરમીનો અહેસાસ થવાનો શરું થયો ત્યાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે 5 અને 6 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. એટલે એવું કહી શકાય કે ફરી ગુજરાત માટે ભારે દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, દ્વારકા, સુરત, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે.
આ વર્ષે વિધિવત ચોમાસુ 17 જુનથી બેસશે- અંબાલાલ પટેલ
સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એપ્રિલ મહિનામાં હિટવેવ, ગરમી અને વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે અંબાલાલે કહ્યું કે, ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે વિધિવત ચોમાસુ 17 જુનથી બેસશે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પવન અને વંટોળ સાથે બેસવાની શક્યતા છે.





