ભાવનગર તા.૧૮
ભાવનગર પોલીસે પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાના કાંડમાં ડમી તરીકે ધોરણ ૧૨ બોર્ડમાં ફિઝિક્સ વિષયની પરીક્ષા આપનાર સરતાનપર ગામના શખ્સની ધરપકડ કરી છે.ડમી કાંડમાં આજ સુધીમાં કુલ ૭ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.પરીક્ષામાં ડમી ઉમેદવારને બેસાડનાર શિક્ષક પુત્ર દેવર્ષિ હાલ ફિલિપાઈન્સમાં મેડીકલનો અભ્યાસ કરી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ભાવનગર સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં જેમ જેમ પોલીસ તપાસ આગળ વધી રહી છે,તેમ તેમ અનેક નવા ફણગાઓ ફૂટી રહ્યા છે.ડમીકાંડમાં આજ સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે ધો. ૧૨ બોર્ડ વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ વિષયની ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર સરતાનપર ગામના મિલન ધુધાભાઈ બારૈયાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં શિક્ષક દશરથભાઈનો પુત્ર દેવર્ષિ,કે જે હાલમાં ફિલિપાઈન્સમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હોઈ, દેવર્ષીએ તેના શિક્ષક પિતા દશરથભાઈ મારફત ડમી કાંડના મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પી.કે. દવે ( રહે. પીપરલા ) નો સંપર્ક કર્યો હતો.પ્રકાશે આ કાંડના અન્ય મુખ્ય આરોપી શરદ ભાનુશંકર પનોતને કહીને મિલન ધુધાભાઈ બારૈયા ( રહે.સરતાનપર ) ફિઝિકસમાં હોશિયાર હોવાથી ડમી તરીકે પરીક્ષા આપવા તૈયાર કર્યો હતો.
મિલન મારફત ડમી તરીકે ફિઝિક્સ વિષયની પરીક્ષા પાસ કરી દેવર્ષિ હાલ ફિલિપાઈન્સમાં મેડીકલનો અભ્યાસ કરી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ ચકચારી કાંડમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.દરમિયાન ગઈ કાલે સાંજે એસ.પી.ડો.રવીન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠલ મળી હતી,જેમાં તપાસ ઝડપી બનાવવા એસ.પી.એ સૂચના આપી હતી.



