ભાવનગર, તા.૨૭
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલના ધોરણ છ માં પ્રવેશ માટે આજે તારીખ 27 ને ગુરુવારે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ભાવનગર જિલ્લામાં ત્રણ ઝોનમાં લેવાયેલી પરીક્ષામાં 46% વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

જ્ઞાનસેતુ સ્કૂલમાં પ્રવેશ માટેની પરીક્ષામાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય ઉપરાંત તાર્કિક, તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં કુલ 139 સેન્ટર ખાતે પરીક્ષા લેવાયેલ ત્રણ ઝોન પાડવામાં આવ્યા હતા. પ્રથમ મુક્તાલક્ષ્મી ગર્લ્સ હાઇસ્કુલ, દ્વિતીય માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ તેમજ ત્રીજો કે.જી.મહેતા સ્કૂલ મહુવાનો સમાવેશ કરાયેલ. આ ત્રણેય ઝોનમાં મળી કુલ 39,676 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આજે સવારે 11 થી 1:30 દરમિયાન પ્રવેશ પરીક્ષા લેવાયેલ જેમાં નોંધાયેલા પરીક્ષાર્થીઓ પૈકી 21,284 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 18,392 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા આમ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 46% થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા માટે ગેરહાજર રહ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં બાળકોએ પરીક્ષા આપી હતી.





