અમરેલીના રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો બનાવ્યો હતો. 2500 ઉપરાંત લોકોનો ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા અલગ-અલગ સ્થળે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
રાજુલાના ડુંગર ગામે મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. રફીકભાઈ ઝાખરાના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી, ભોજન સમારંભમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો બનાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ 2500થી 3000 જેટલા લોકોને ભોજન માણ્યું હતું. જેમાંથી હાલ 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા આરોગ્ય વિભાગ દોડતો થયો હતો.





