પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું મસ્કતથી લાહોર જતી એક ફલાઈટ ભારે વરસાદ તથા ખરાબ હવામાનની સ્થિતિમાં ફસાયા બાદ તે લાહોર વિમાની મથકે લેન્ડ થઈ ન શકતા અને વિમાન હવામાં ચકકર લગાવતા સમયે પંજાબમાં ભારતીય હવાઈ સીમામાં 120 કી.મી. સુધી અંદર ઘુસી આવ્યું હતું અને લગભગ 10 મીનીટ હતી તે ભારતીય હવાઈ સીમામાં રહ્યા બાદ તે પાક હવાઈ સીમામાં પરત ફર્યુ હતું તથા લાહોર વિમાની મથકે ઉતરણ કરવામાં સફળ રહ્યું હતું.
પાકની આ રાષ્ટ્રીય એરલાઈનના વિમાને ફકત થોડી મિનિટના અંતરે બે વખત કોઈ મંજુરી વગર જ ભારતીય હવાઈ સીમમાં ઘુસી આવીને થોડી ક્ષણો માટે તનાવ સર્જી દીધો હતો. આ વિમાન તા.4ના રોજ સ્થાનિક સમય મુજબ મસ્કથી લાહોરના રૂટ પર હતું અને રાત્રીના 8 વાગ્યે તે લાહોર વિમાની મથકે લેન્ડ થવાનું હતું પણ ભારે વરસાદથી અને વિમાન ખુબ જ નીચું ઉડી રહ્યું હતું તેથી લેન્ડીંગ શકય ન બનતા પાઈલોટે ફરી વિમાનને હવામાં ઉંચે લીધુ હતું.
વિમાન આ સમયે 13500 ફુટની ઉંચાઈએ અને 292 કી.મી. પ્રતિ કલાકની ગતિએ ઉડી રહ્યું હતું અને તે ભુલથી ભારતીય હવાઈ સીમામાં પ્રવેશ્યું હતું. જો કે ભારતીય હવાઈ સીમામાં તે પંજાબ ઉપરથી ઉડયું તો પાઈલોટે તે 20000 ફુટની ઉંચાઈએ લઈ લીધુ હતું. પાક. પંજાબમાંથી તે ભારતના પંજાબ પ્રાંતના એરસ્પેસમાં 120 કી.મી. સુધી અંદર આવી ગયું. 10 મિનિટમાં આ વિમાનને બે વખત ભારત-પાક હવાઈ સીમામાં ચકકર કાપ્યા હતા અને તે બાદમાં 23000 ફુટની ઉંચાઈએ અને 320 કી.મી.ની ઝડપે ઉડતું હતું. અંતે તે બીજી વખત પાક હવાઈ સીમામાં પ્રવેશીને મુલતાન ભણી ગયું હતું.




