સસ્તા રશિયન ખનીજ તેલનો લાભ લેવા માટે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત વધારી દીધી હતી આ સ્થિતિમાં ભારત રશિયા સાથે રૂપિયામાં વેપાર કરવા માટે સતત વાતચીત કરી રહ્યું છે. રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવાના ભારત સરકારના પ્રયાસો વચ્ચે એક સમાચાર આવ્યા છે કે ભારતનો પાડોશી દેશ રૂપિયામાં વેપાર કરવા માટે રાજી થઈ ગયો છે.
આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ ભારત સાથે રૂપિયામાં વેપાર વાટાઘાટો આગળ વધારી છે. આર્થિક સુધારણા માટે શ્રીલંકા ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારી રહ્યું છે. રૂપિયામાં વેપારને લઈને પણ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકાના હાઈ કમિશનર મિલિન્ડા મોર્ગોડાએ શુક્રવારે દિલ્હીમાં મોદી સરકારના કેબિનેટ રેન્કના અધિકારી ડૉ. પ્રમોદ કુમાર મિશ્રા સાથે આ સંબંધમાં વાતચીત કરી હતી. કોલંબોના આર્થિક ઉત્થાન માટે દ્વિપક્ષીય સંવાદને વધુ મજબૂત કરવા પર બંને વચ્ચે ચર્ચા થઈ હતી. જેમાં શ્રીલંકાને આપવામાં આવેલી લોનનું પુનર્ગઠન કરવા જેવા મુદ્દા સામેલ છે.
થોડા સમય પહેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે રૂપિયામાં વેપાર કરવા માટે ભારત ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. જ્યારે ભારતની રશિયા સાથે રૂપિયામાં વેપાર કરવાની વાતચીતના અંતની ચર્ચાઓ થઈ ત્યારે સરકારે તરત જ તેનું ખંડન કર્યું હતું. જો ભારત રૂપિયામાં તેની આયાત-નિકાસ શરૂ કરે તો તેની ડોલર પર નિર્ભરતા ઓછી થઈ જશે. સાથે જ તેને ડોલર અને રૂપિયાના વિનિમય દરમાં થતી વધઘટથી પણ રાહત મળશે. આટલું જ નહીં ઘણા દેશોમાં Voscro એકાઉન્ટ ખોલ્યા બાદ તે દેશો સાથે બિઝનેસ કરવાનું સરળ બનશે.




