મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલો મોટી બેંચને મોકલવામાં આવશે. CJIએ કહ્યું, નબામ રેબિયા કેસમાં ઉઠાવવામાં આવેલ પ્રશ્નને મોટી બેંચને મોકલવામાં આવે. કારણ કે તેને વધુ સ્પષ્ટતાની જરૂર છે. મહત્વનું છે કે, જૂન 2022માં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ. આ પછી એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યો અને ભાજપના સમર્થનથી સરકાર બનાવી.
ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથે બળવો કર્યો હતો. આ પછી ઉદ્ધવ સરકાર પડી ગઈ હતી. શિંદેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે ભાજપના સમર્થનથી સરકાર બનાવી હતી. ત્યારથી ઉદ્ધવ ઠાકરે જૂથના ઘણા નેતાઓ શિંદે જૂથમાં જોડાયા છે. લાંબી ઉથલપાથલ પછી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે શિવસેનાના નામ અને પક્ષના પ્રતીક પર અધિકારને લઈને ટક્કર થઈ હતી. ચૂંટણી પંચે શિવસેનાનું તીર કમાન્ડ ચિહ્ન એકનાથ શિંદે જૂથને સોંપ્યું હતું.



