મધ્યપ્રદેશનાં ભોપાલમાં પોલીસ હાઉસિંગ કોર્પોરેશનનાં ઈન્ચાર્જ મદદનીશ ઈજનેર હેમા મીણાનાં આવાસ પર રેડ પાડવામાં આવી છે. આવાસ સહિત અન્ય 3 સ્થળો પર પણ છાપા મારવામાં આવ્યાં જેમાંથીઅત્યારસુધી 5થી 7 કરોડની ચોંકાવનારી સંપત્તિ મળી આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હેમાની માસિક સેલેરી 30 હજાર રૂપિયા છે અને મળી આવેલી સંપત્તિ તેની સેલેરીથી 232% વધારે છે.હેમા મીણા હાઉસિંગ કોર્પોરેશન ભોપાલમાં ઈન્ચાર્જ મદદનીશ ઈજનેરનાં રૂપમાં કામ કરે છે. તેની સામે સેલેરીથી વધારે સંપત્તિ હોવાનો આ મામલો 2020માં નોંધાયો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે હેમા મીણાએ પોતાના પિતા રામસ્વરૂપ મીણાનાં નામ પર બિલખિરિયામાં 20000 વર્ગ ફુટની જમીન ખરીદી છે. તેના પર એક કરોડનાં ખર્ચે આલીશાન બંગલો બનાવ્યો છે. એટલું જ નહીં મીણાએ ભોપાલ, રાયસેન અને વિદિશાનાં વિવિધ ગામડાઓમાં ખેતરો પણ ખરીદ્યાં છે. ટ્રેક્ટર અને મશીનો પણ તેણે ખરીદ્યાં હતાં.



