ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ને પ્લેઓફમાં સ્થાન મેળવનારીતેની પ્રથમ ટીમ મળી છે. ગુજરાત ટાઇટન્સ ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સામે જીત મેળવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલે ગુજરાત માટે ધમાકેદાર સદી ફટકારી હતી અને ટીમે 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 9 વિકેટના નુકસાન પર 154 રન જ બનાવી શકી હતી.
ગુજરાત તરફથી મળેલા 189 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. 60 રન બનાવતા પહેલા ટીમના 7 બેટ્સમેનો પેવેલિયન ભેગા થઇ ગયા હતા. અનમોલપ્રીત સિંહ 5 રન બનાવીને મોહમ્મદ શમીનો શિકાર બન્યો. આ પછી અભિષેક શર્મા અને પછી રાહુલ ત્રિપાઠીએ પોતાની વિકેટ ગુમાવી હતી. અહીંથી એક પછી એક વિકેટો પડતી રહી. હેનરી ક્લાસન એક છેડે રન બનાવતો રહ્યો હતો.
શુભમન ગિલની IPLની પ્રથમ સદી
ઈન્ડિયન પ્રીમિયર લીગની મહત્વની મેચમાં શુભમન ગિલે ધમાકેદાર સદી ફટકારી હતી. છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો પરાજય થયો હતો અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત નોંધાવ્યા બાદ ટીમ પ્લેઓફની ટિકિટ મેળવવા માટે ઉતરી હતી. ગિલે એક છેડો પકડી રાખ્યો અને IPLમાં પ્રથમ સદી ફટકારી હતી. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 58 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આ ઈનિંગ રમી હતી.
શુભમન ગિલની વિસ્ફોટક ઇનિંગ સામે હૈદરાબાદની ટીમ લાચાર દેખાતી હતી. ભુવનેશ્વર કુમારની પાંચ વિકેટે ગુજરાત ટાઇટન્સને મોટા સ્કોર તરફ આગળ વધતી અટકાવી હતી. ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં આવેલા આ અનુભવી બોલરે 3 ઓવરમાં 3 વિકેટ ઝડપી અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બીજી વખત પાંચ વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી હતી.
IPL 2023: પ્લે ઓફની રેસ બની વધુ રોમાંચક, ત્રણ ટીમો બહાર, આ ટીમો છે રેસમાં
IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16માં પ્લેઓફની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ બાદ પ્લેઓફની સ્થિતિ થોડી વધુ સ્પષ્ટ થઇ ગઇ છે. હૈદરાબાદ સામે જીત નોંધાવીને ગુજરાત પ્લેઓફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ સાથે જ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ, CSK અને RCB માટે પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે.




