ભોપાલ
મધ્યપ્રદેશમાં ‘કેરળ સ્ટોરી’ જેવા ષડયંત્રનો ખુલાસો થયો છે. અને એટીએસ દ્વારા રિજબ-ઉત-તહહીર સંગઠનના 1પ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો જંગલમાં હથિયારોની તાલીમ લઇ રહ્યા હતા અને તેમાંથી કેટલાંકે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ પરિવર્તન કર્યુ હતું એટલું જ નહીં તેઓએ કેટલીક છોકરીઓનું પણ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.
મધ્યપ્રદેશ એટીએસને આ કટ્ટરપંથી સંગઠન દ્વારા જંગલોમાં હથિયારો ટ્રેનિંગ કેમ્પ ચલાવવામાં આવી રહ્યાની બાતમી હતી. હૈદ્રાબાદમાંથી પકડાયેલા પાંચ શખ્સોનો પણ ભોપાલ લાવવામાં આવ્યા હતા. આ શંકાસ્પદ શખ્સોના ઇન્ટરનેશનલ કનેકશન વિદેશી ફંડિઝ સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. રાજયના ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ જણાવ્યું હતું કે આરોપીઓ પૈકી મોહમ્મદ સલીમ એઆઇએમઆઇએમ પાર્ટીના પ્રમુખ ઔવેશીના ભાઇ અકબરૂદ્દીનની કોલેજનો પ્રોફેસર છે.
કટ્ટરવાદી સંગઠનના એજન્ડાનો ખુલાસો થવાને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સમગ્ર ષડયંત્રની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. રાજયમાં લવ-જેહાદ કે ધર્માંતરણ નહીં ચાલે અગાઉ પણ નેટવર્ક ધ્વંસ્ત કર્યુ જ હતું. દોષિતો-કટ્ટરપંથીઓને છોડવામાં નહીં આવે પકડાયેલ શખ્સોમાં જીમ ટ્રેનર, ઓટો ડ્રાઇવર, દરજી, શિક્ષક સામેલ છે.
છોકરીઓનું બ્રેઇનવોશ કરીને આતંકી પ્રવૃતિમાં ધકેલવાનું ષડયંત્ર હતું. આરોપીઓની પુછપરછમાં એવો ખુલાસો થયો છે કે પકડાયેલા 15માંથી 3 શખ્સો મુળ હિન્દુ હતા અને ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની ગયા હતા એટલું જ નહીં કેટલીક હિન્દુ છોકરીઓને ફસાવીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાયો હતો. ભોપાલના એક કોચીંગ કલાસમાં યુવતીઓનું બ્રેઇનવોશ કરવામાં આવતું હતું. તમામ આરોપીઓને 9મી સુધીના રીમાન્ડ પર સોંપાયા છે અને અનેક નવા ખુલાસા થઇ શકે છે.




