કેન્દ્ર સરકાર હાલમાં કોઈ વ્યક્તિનાં 18 વર્ષના થવા પર આપોઆપ જ વોટર લિસ્ટમાં જોડાઈ જાય તેવી એક યોજના લાવવાની કવાયતમાં છે. જેને લઈ ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું કે, સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટાને મતદાર યાદી અને સમગ્ર વિકાસ પ્રક્રિયા સાથે જોડવા માટે સંસદમાં એક બિલ લાવવાની યોજના બનાવી રહી છે.
ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની ઑફિસ, ‘જનગણના ભવન’નું ઉદ્ઘાટન કરતાં શાહે જણાવ્યું હતું કે. વસ્તી ગણતરી એવી પ્રક્રિયા છે જે વિકાસના એજન્ડાનો આધાર બનાવી શકે છે. તેમણે કહ્યું કે, ડિજિટલ, સંપૂર્ણ અને સચોટ વસ્તી ગણતરીના ડેટાના બહુ-પરિમાણીય લાભ થશે.વસ્તી ગણતરીના ડેટા પર આધારિત આયોજન એ સુનિશ્ચિત કરે છે કે વિકાસ ગરીબમાં ગરીબ સુધી પહોંચે. શાહે એમ પણ કહ્યું હતું કે, જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસના કામોનું યોગ્ય આયોજન કરી શકાય.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, મરણ અને જન્મ નોંધણીને મતદાર યાદી સાથે જોડવા માટે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય છે, ત્યારે તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં સામેલ થઈ જશે. તેવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તે માહિતી આપમેળે ચૂંટણી પંચ પાસે જશે, જે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ કરશે.
આ તરફ સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ (RBD),1969 માં સુધારો કરવા માટેનું બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જાહેર કરવા અને લોકોને સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ આપવા વગેરે સંબંધિત બાબતોને પણ સરળ બનાવશે. આ સાથે અમિત શાહે જણાવ્યું હતું કે, જો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વસ્તી ગણતરી વચ્ચેના સમયનો અંદાજ લગાવીને વિકાસના કામોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય છે. તેમણે કહ્યું કે અગાઉ વિકાસની પ્રક્રિયા ટુકડાઓમાં પૂર્ણ કરવામાં આવી હતી કારણ કે વિકાસ માટે પૂરતો ડેટા ઉપલબ્ધ ન હતો.
જીઓફેન્સિંગથી સજ્જ મોબાઇલ એપ્લિકેશન શું કરશે ?
અમિત શાહે જણાવ્યું હતું કે, જીઓફેન્સિંગથી સજ્જ મોબાઇલ એપ્લિકેશન એ સુનિશ્ચિત કરશે કે અધિકારીઓ જાણશે કે ગણતરીકારો તેમને સોંપેલ વિભાગની મુલાકાત લઈને ડેટા દાખલ કરે છે અને કોઈ પણ વિભાગની મુલાકાત લીધા વિના નકલી એન્ટ્રી કરી શકશે નહીં. તેમણે કહ્યું કે તે સુનિશ્ચિત કરશે કે દાખલ કરેલ ડેટા સચોટ છે. તેમણે કહ્યું, જનગણતરી એક એવી પ્રક્રિયા છે જે દેશની વિકાસ પ્રક્રિયાને રેખાંકિત કરે છે. તેથી જીઓફેન્સિંગ સુવિધાથી સજ્જ SRS મોબાઇલ એપ્લિકેશનના અદ્યતન સંસ્કરણ જેવી તકનીકોનો ઉપયોગ કરીને તેને વિશ્વસનીય અને દોષરહિત બનાવવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે આગામી વસ્તી ગણતરીમાં ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં ગણતરી કરવામાં આવશે, જેમાં સ્વ-ગણતરીને પણ મંજૂરી આપવામાં આવશે.




