સમગ્ર દેશમાં ચર્ચા જગાવનારા બાગેશ્વર બાબા આજથી 10 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે રાજ્યનાં પાંચ શહેરોમાં તેમના દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. આજે બાગેશ્વર સરકાર જાણીતા કથાકાર દેવકીનંદન ઠાકુર સાથે મુલાકાત કરશે. અમદાવાદના વટવામાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથા ચાલી રહી છે ત્યારે બાબા બાગેશ્વર મહારાજ શિવપુરાણ કથામાં જોડાશે. વટવા સ્થિત કથા મંડપમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન પણ કરવાના છે.
અમદાવાદમાં યોજાનારા બાગેશ્વર સરકારના દરબાર માટે આયોજકોએ 5 પાનાની આમંત્રણ પત્રિકા તૈયાર કરાવી છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે સીઆર પાટીલનું નામ છે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, મંત્રી મુકેશ પટેલ અને સાંસદ કિરીટ સોલંકી સહિતના અગ્રણીઓના નામ છે.
ગુજરાતમાં બાગેશ્વર બાબાના કાર્યક્રમને રોકવા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. એક અરજદારે કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણીનો હવાલો આપીને ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને મંજૂરી ન આપવા હાઈકોર્ટને અપીલ કરી છે. જો કે હાઈકોર્ટે આ કેસમાં તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર કર્યો છે. ગુજરાતમાં ચાર શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરના ઝુંડાલમાં પણ 28મીએ ગુરુ વંદના મંચ બાગેશ્વર બાબાના દરબારનું આયોજન કરી રહી છે.




