Cowin Data Leak: અનેક ન્યૂઝ એવા સામે આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે Cowin પોર્ટલ પર આપવામાં આવેલી વિગતો લીક થઈ ગઈ છે. આમાં, ટેલિગ્રામના બોટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક છે. જો કે, આ પછી, એક સરકારી સૂત્રએ કહ્યું કે કોવિન પોર્ટલ જન્મ તારીખ અને ઘરનું સરનામું એકત્રિત કરતું નથી.
ટેલિગ્રામના બોટ દ્વારા પ્રદર્શિત કરવામાં આવતી માહિતીમાં નામ, સરનામું, વ્યક્તિગત મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને પાસપોર્ટ વિગતો વગેરેનો સમાવેશ થાય છે. આ વિગતો અંગે દાવો કરવામાં આવ્યો છે કે કોવિન વેક્સિન મેળવનાર લોકોની આ અંગત વિગતો છે. જો કે, અમે ટેલિગ્રામ પર બોટ્સ દ્વારા શેર કરેલી માહિતીની ચકાસણી કરતા નથી.
ઓફિશિયલ સોર્સે શું કહ્યું?
સરકારી સૂત્રોએ આ બાબતે સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે Cowin પોર્ટલ કોવિડ-19 વેક્સિનેશન રજીસ્ટ્રેશનમાં જન્મતારીખ અને ઘરનું સરનામું વગેરે જેવી વ્યક્તિગત વિગતો એકત્રિત કરતું નથી.
Cowin પોર્ટલ માત્ર યુઝર્સ વિશે માહિતી સ્ટોર કરે છે કે શું તેઓએ પ્રથમ ડોઝ, બીજો ડોઝ અથવા પ્રીકોશન ડોઝ લીધો છે કે નહીં. વધુમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ લીકને લઈને વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે. તેમજ આ માહિતીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ટીએમસીના પ્રવક્તાનું ટ્વિટ સામે આવ્યું
TMC નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે (@SaketGokhale) એ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે દાવો કર્યો હતો કે મોદી સરકારમાં મોટો ડેટા લીક થયો છે. તેમણે વધુમાં લખ્યું છે કે ભારતમાં કોવિન વેક્સિનેશન કરાવનાર ભારતીયોના નામ, સરનામું, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ, પાસપોર્ટ નંબર, મતદાર આઈડી અને પરિવારના સભ્યો વગેરેની વિગતો લીક થઈ ગઈ છે.
એક નંબર સાથે 4 રજીસ્ટ્રેશન થઈ શકે
આપને જણાવી દઈએ કે કોવિડને રોકવા માટે કોવિન વેક્સિનેશન લેતા પહેલા, યુઝર્સ કોવિન પોર્ટલ અથવા વેક્સિન કેન્દ્રની મુલાકાત લઈને વેક્સિન મેળવી શકે છે. આ વેક્સિનેશનનું પ્રમાણપત્ર પણ જાહેર કરવામાં આવ્યું હતું, જે કોવિન પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ પોર્ટલ પર લોગીન કરવા માટે મોબાઈલ નંબર જરૂરી છે. એક મોબાઈલ નંબર વડે વધુમાં વધુ 4 લોકો ઘરે બેસીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.





