તમે કોઇ લોકલ કલીનીક કે મલ્ટીનેશનલ હોસ્પિટલમાં ઇલાજ કરાવવા જાવ અને દવાનો જે ડોઝ લખી દે છે તેમાં ભાગ્યે જ કોઇ સંપૂર્ણ ડોઝ જે તે દર્દી લેતા હોય છે અને દરેક ઘરોમાં અલગ અલગ પ્રકારની દવાની સ્ટ્રીપ પડી હોય છે અને ફાર્મા કંપનીઓ માટે તે જ સૌથી મોટો બિઝનેસ હોવાનું બહાર આવ્યું છે. જેમાં હાલમાં જ થયેલા એક સર્વેમાં જણાવાયું છે કે તબીબો દ્વારા લખી આપવામાં આવતી દવાઓમાં 70 ટકા જેટલી હાઉસહોલ્ડ મેડીસીન કાં તો તેની એકસપાયરી ડેટ પૂરી કરેલી હોય છે અથવા તો તે દવા ઉપયોગ વગરની પડી હોય છે જે ભવિષ્યમાં કદી પણ ઉપયોગી બનવાની નથી.
મોટા ભાગના તબીબો કોઇપણ રોગમાં જે દવાનો લાંબો કોર્સ લખી દેે છે તેમાં ભાગ્યે જ પૂરેપૂરો કોર્ષ કરતા હોય છે. હાલમાં જ લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું કે 10 થી 70 ટકા જેટલા લોકોએ તેમને તબીબો દ્વારા પ્રિસ્ક્રાઇબ કરાયેલ દવાનો ઉપયોગ કરાયો ન હતો અને તેના કારણે દેશમાં કેટલી મોંઘી દવાઓ કોઇ ઉપયોગ વગર એકસપાયર ડેટ પસાર કરે છે અથવા તેનો નાશ થયા વગર જ કચરામાં જાય છે.
લોકલ સર્કલ દ્વારા આ અંગે અંદાજે 10964 લોકો પાસેથી જવાબ મળ્યો હતો. જેમાં હાઉસહોલ્ડ મેડીસીન અંગે પ્રશ્ન પૂછાયો હતો. 50 ટકાથી વધુ લોકોએ જણાવ્યું કે તેમને તબીબોએ ઓછામાં ઓછી ડોઝની દવા લખી દેવાના બદલે વધુ ડોઝની દવાઓ લખી હતી જયારે તે સ્વસ્થ થયા બાદ તે બીનઉપયોગી પડી છે. હાલમાં કેન્દ્ર સરકારે એક આદેશ આપીને કોઇપણ ફાર્મા સ્ટોરના કાઉન્ટર પર ગ્રાહક જેટલી દવા માંગે તેટલી જ આપવા સૂચના આપી છે. ખાસ કરીને ટેબ્લેટમાં જે સ્ટ્રીપ 10 ટેબ્લેટની હોય જેમાં ગ્રાહક પાંચ ટેબ્લેટ માંગે તો ફાર્મા સ્ટોર્સે તે આપવી ફરજીયાત બની જશે.
મોટા ભાગના ઘરોમાં સામાન્ય ઉપયોગમાં આવતી દવાઓનો મોટો જથ્થો પડયો હોય છે. જેમાં પેરાસીટામોલ સહિતની દવાઓ સૌથી વધુ હાઉસહોલ્ડ સ્ટોકમાં હોવાનું જાહેર થયું છે અને તેની જે સેલ્ફ લાઇફ હોય છે તેમાં પણ તે પસાર થઇ ગઇ હોય છે પરંતુ ઘરમાં પડેલી દવા લેતા સમયે ભાગ્યે જ તેની એકસપાયરીની ચિંતા કરાઇ છે. હાલમાં જ ઓલ ઇન્ડીયા ઓર્ગેનાઇઝેશન કેમીકલ એન્ડ ડ્રગીસ્ટ કે જે દેશમાં 12 લાખ જેટલા ફાર્માસીસ્ટની અમ્બ્રેલા સંસ્થા છે તેના જણાવ્યા પ્રમાણે મેડીકલ સ્ટોર્સમાં પડેલી અને એકસપાયરી ડેટને પાર કરનાર દવાઓમાં ફકત 1.5 ટકા દવાઓ જ કંપનીઓને પરત થાય છે.
ભારતમાં દવાઓનું બજાર 1.8 લાખ કરોડનું હોવાનું મનાય છે જેમાં દર વર્ષે 270 કરોડની દવાઓ તેની એકસપાયરી ડેટ દર વર્ષે પૂરી કરે છે. પરંતુ ફાર્મા કંપનીઓ તેમાંથી બહુ ઓછી દવાઓ પરત લે છે. કેન્દ્ર સરકાર દ્વારા જે કોન્ટીટી અંગે સૂચના અપાઇ છે તેનો અમલ પણ કેટલા ફાર્મા સ્ટોર્સ કરે છે તે અંગે હજુ પ્રશ્ન છે.





