છેલ્લા એક વર્ષથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને કિંમતો સ્થિર છે. છેલ્લા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો નથી. જો કે હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ જલ્દી સસ્તું થઈ શકે છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે પહેલા ઓઈલ કંપનીઓ ખોટનો સામનો કરતી હતી, પરંતુ હવે એવું નથી. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો વિશ્વમાં આ જ સ્થિતિ રહી તો આગામી સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોક્કસપણે જનતાના હિતમાં નિર્ણય લેશે.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી, જ્યારે વિશ્વના ઘણા દેશોમાં દરોમાં સતત વધારો કરવામાં આવ્યો હતો અને તેનો સંપૂર્ણ શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘પીએમ મોદીએ નવેમ્બર 2021 અને મે 2022માં બે વાર એક્સાઈઝ ઘટાડ્યો, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 રૂપિયા અને 13 રૂપિયાનો ઘટાડો થયો.’