વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ)નો મુદ્દો દેશ સામે મુકતાની સાથે જ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ યુસીસીને સમર્થન આપ્યું છે. જો કે આ બધાની વચ્ચે આશ્ચર્યજનક રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહે પણ યુસીસીને સમર્થન આપતાં રાજકીય ગલીયારામાં ખળભળાટ
મચી જવા પામ્યો છે. આ સાથે જ વિક્રમાદિત્ય સિંહે સત્તારૂઢ ભાજપને આ મુદ્દે પ્રોપગેન્ડા નહીં કરવાની સલાહ પણ આપી છે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે નવ વર્ષથી દેશમાં એનડીએની પૂર્ણ બહુમતિની સરકાર છે. આ કાયદાને લાગુ કરવાથી તેને કોણ રોકી રહ્યું છે ? હવે ચૂંટણી આવી રહી છે તેના અમુક મહિના પહેલાં જ આ મુદ્દાને ચગાવીને વિવાદ શા માટે ઉભો કરાઈ રહ્યો છે ? જય શ્રી રામ… વિક્રમાદિત્ય સિંહે આગળ કહ્યું કે સમાન નાગરિક સંહિતાનું અમે પૂર્ણ સમર્થન કરીએ છીએ જે ભારતની એકતા અને અખંડતા માટે જરૂરી છે પરંતુ તેના પર રાજકારણ ન કરવું જોઈએ.