નવી દિલ્હી
દેશમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષના 6 વર્ષ બાદ હવે આ આડકતરી કર વ્યવસ્થા મારફત દર મહિને રૂા.1.50 લાખ કરોડની સરેરાશ આવક અને રૂા.1.83 લાખ કરોડ સુધી રેકોર્ડબ્રેક સ્તરે એક માસમાં પહોચી હતી તે વચ્ચે હવે કરમાળખાને વધુ તર્કસંગત બનાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે જેમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા ઓનલાઈન ગેમીંગ પર જીએસટી 28% કરવાના પ્રસ્તાવને મંજુરી મળશે.
તા.11ના રોજ જીએસટી કાઉન્સીલની બેઠક મળી રહી છે જેમાં કર સંબંધી અનેક પ્રસ્તાવ છે. ઓનલાઈન ગેમીંગ ઉપરાંત ઘોડાદોડ કેસીનો પર હવે જીતેલી રકમ પર જીએસટી લગાવવો કે પુરા દાવ પર તે અંગે ચર્ચા છે પણ આ પ્રકારે ખેલાડી પોતે જે દાવ ખેલે તેના પર ટેક્ષ લગાવીને તે રીતે સેવા કરનો સિદ્ધાંત સ્થાપીત કરી શકાય અને જીત માટે રૂા.10000થી વધુ ટકાની જીતમાં જે ટીસીએસનો નિયમ છે તે લાગુ કરી શકાય.
આમ રમવા પર જીએસટી અને જીત પર આવકવેરો એમ બન્ને પ્રકારે ટેક્ષ લાગી શકે છે. જો કે ગોવા કે જયાં કેસીનો કલ્ચર પુર બહારમાં છે તે રાજય દ્વારા 28% નહી પણ 18% ટેક્ષ લાદવાનો માંગ કરવામાં આવી છે. હાલમાંજ મંત્રીસમૂહની બેઠકમાં આ ચર્ચા થઈ હતી અને તેમાં પુરા દાવ પર 28% જીએસટી લાદવાના નિર્ણય પર હાલ સહમતી છે અને તે બાદમાં કાઉન્સીલની બેઠકમાં નિર્ણય લેવાશે.
બીજી તરફ દેશમાં મલ્ટીપ્લેકસ સહિતના સિનેમાઘરોમાં જે ખાનપાનની સુવિધા છે તેમાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં જીએસટી દર ઘટાડવા વિચારણા થશે. હાલ આ પ્રકારે સિનેમાઘરો ખાસ કરીને મલ્ટીપ્લેકસમાં કેન્ટીનમાં જે નાસ્તા- સોફટ ડ્રિન્કસ પીરસવામાં આવે છે તેના પર 22% જીએસટી છે જે ઘટાડીને સામાન્ય 5% જીએસટી કરવા માટેની દરખાસ્ત છે. જેના કારણે આ ખાદ્ય પદાર્થો સસ્તા થશે તો જેમ હવે મોટરમાં એસયુવીનો ક્રેઝ વધી રહ્યો છે. તેના પર 18% જીએસટી છે તેના પર હવે 22% સરચાર્જ પણ લાગી શકે છે. જે આવક કેન્દ્રને થશે. આ માટે એસયુવીની વ્યાખ્યા પણ સ્પષ્ટ થશે.