દેશભરમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ટામેટાનો ભાવ ખૂબ જ વધારે થઈ ગયો હતો. દરમિયાન ટામેટાંના ભાવ વધવાથી સામાન્ય માણસ ખૂબ જ પરેશાન જોવા મળ્યો હતો. ટામેટાના ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા. ત્યારે કેન્દ્ર સરકારે ટામેટાના ભાવને નિયંત્રણ કરવા માટે એક પ્રયાસ કર્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેના કારણે ટામેટાંના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે.
ભાવમાં કેટલો ઘટાડો થયો?
કેન્દ્ર સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ‘દેશભરમાં 500 થી વધુ પોઈન્ટ્સ પર સ્થિતિનું પુન: મૂલ્યાંકન કર્યા પછી, આજથી એટલે કે 16 જુલાઈથી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NAFED અને NCCF દ્વારા વેચાણ આજથી દિલ્હી, નોઈડા, લખનઉ, કાનપુર, વારાણસી, પટના, મુઝફ્ફરપુર અને અરાહના વિવિધ પોઈન્ટ પર શરૂ થઈ ગયું છે. આવી જગ્યાઓ પર પ્રવર્તમાન બજાર કિંમતોના આધારે આવતીકાલથી તેને વધુ શહેરોમાં વિસ્તરણ કરવામાં આવશે.’
કેન્દ્રએ નાફેડ, એનસીસીએફને ટામેટાં ખરીદવા સૂચના આપી હતી
કેન્દ્રએ બુધવારે સહકારી સંસ્થાઓ નાફેડ અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન (NCCF)ને આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ એવું બહાર આવ્યું છે કે સામાન્ય લોકોને રાહત આપવા માટે મોટા ગ્રાહક કેન્દ્રો પર ઓછા દર સાથે ટામેટાંનું વિતરણ કરવામાં આવશે.
છેલ્લા એક મહિનામાં ટામેટાંના છૂટક ભાવમાં ભારે વધારો થયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 14 જુલાઈથી દિલ્હી-એનસીઆરમાં ગ્રાહકોને રિટેલ આઉટલેટ્સ દ્વારા ઓછા દરે ટામેટાં વેચવામાં આવશે. ભારે વરસાદને કારણે પુરવઠો ખોરવાને કારણે દેશના ઘણા ભાગોમાં ટામેટાંના છૂટક ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન (NCCF) ટામેટાં ખરીદશે.