ટામેટાંના આસમાનને આંબી જતા ભાવોએ ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. ચિંતાજનક રીતે, આની અસર અન્ય ઉત્પાદનોની કિંમતો પર પણ પડી શકે છે, જે ફુગાવા માટે ઊલટું જોખમ ઊભું કરી શકે છે.
RBIએ સોમવારે એક લેખમાં કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં ટામેટાંની કિંમત 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જેનું મુખ્ય કારણ વરસાદ અને જીવાતોના હુમલાને કારણે ટામેટાંના પાકને થયેલ નુકશાન છે. રિટેલ ભાવમાં ભારે વધારા વચ્ચે લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. જો કે ટામેટાંના ભાવમાં ઘટાડો થવા લાગ્યો છે. સોમવારે તેની અખિલ ભારતીય સરેરાશ કિંમત 120 રૂપિયા પ્રતિ કિલો હતી.
RBIનાં ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રાની આગેવાની હેઠળની એક ટીમના પેપર મુજબ, ટામેટાંના ભાવ એકંદર ફુગાવામાં અસ્થિરતામાં ઐતિહાસિક રીતે નોંધપાત્ર ફાળો આપે છે. તેના આસમાનને આંબી જતા ભાવની અસર છૂટક અને જથ્થાબંધ બજારોમાં અન્ય શાકભાજીના ભાવ પર પડી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાવ વધારાના પરિણામે એકંદર ફુગાવાની અસ્થિરતાને સમાવવા માટે સપ્લાય ચેઇન સુધારાની જરૂર છે.