ATSએ પાકિસ્તાની નાગરિક સીમા હૈદરને નોઈડાના સેફ હાઉસમાં શિફ્ટ કરી છે. સીમા સાથે તેને એક પુત્ર અને બોયફ્રેન્ડ સચિન પણ છે. સીમા જાસૂસ છે કે ગર્લફ્રેન્ડ? 15 દિવસ પછી પણ આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી.
સોમવારે UP ATSએ તેની 8 કલાક પૂછપરછ કરી હતી. તેના કાકા અને ભાઈના પાકિસ્તાની આર્મીમાં હોવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સીમાને મોડી રાત્રે ઘરે મોકલી દેવામાં આવી હતી. સીમા, સચિન અને તેના પિતાને મંગળવારે સવારે ફરી ATS પૂછપરછ માટે લઈ ગઈ. મુંબઈ પોલીસને સીમાને પાકિસ્તાન મોકલવા અને 26/11 જેવા હુમલાની ધમકી મળ્યા પછી તેના ઘરની સુરક્ષા વધારી દીધી છે.
નોઈડા એટીએસ દ્વારા સોમવારે સીમા હૈદરની લગભગ 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી એક મહિલા હોવાથી તેને રાત્રે ઘરે મોકલી દેવામાં આવી હતી. ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સીમા તેનાં 4 બાળકો સાથે ભારતમાં કેવી રીતે આવી? ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આ અંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સ પાસેથી રિપોર્ટ માગ્યો છે. સીમા નેપાળથી બિહારની સીતામઢી બોર્ડર પાર કરીને ભારત આવી હતી. આ સરહદની સુરક્ષામાં SSB તહેનાત છે. આઈબીએ પૂછ્યું છે કે જ્યારે સીમા અને તેનાં 4 બાળકો પાસે નેપાળના ટૂરિસ્ટ વિઝા હતા તો તેઓ કેવી રીતે સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યાં? ભૂલ ક્યાં છે? શું એ ભૂલ છે કે કાવતરું?
આ સમગ્ર મામલાની તપાસ માટે આઈબીની એક ટીમ નેપાળ પણ જઈ રહી છે. આ ટીમ એક પછી એક સીમા અને સચિનનાં નિવેદનોની ખરાઈ કરશે. આઈબીને શંકા છે કે સીમાનાં 4 બાળકો સાથે નેપાળ બોર્ડર પાર કરવાની કહાનીમાં પડદા પાછળ કોઈ અન્ય વ્યક્તિ છે. સીમા હૈદર જેલમાં જશે અથવા તેને દેશનિકાલ એટલે કે પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવશે. તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે.






