જાણીતા કોર્પોરેટ ટ્રેઈનર અને મોટીવેશન સ્પીકર અરવિંદભાઈ ત્રિવેદીના પુસ્તક “સફળતાનાં વિચારબીજ”નુ વિમોચન તા. ૧૬ને રવિવારે લોકભારતીના ડાયરેક્ટર અરૂણભાઇ દવેની અધ્યક્ષતામાં મેઘાણી ઑડીટોરિયમ (મીનીહૉલ) ખાતે યોજાઈ ગયું.
સ્વસુધારણા, ક્ષમતાવર્ધન, બગાડ નિયંત્રણ, અને સંસાધન વિકાસના મંત્રો અને ચાવીઓ સાથેનું વાંચનની સાથે સફળતાના વિચારબીજનું પણ આરોપણ કરતા આ પુસ્તકમાં ગુજરાતના વિવિધ સામયિકો અને સમાચાર પત્રોમાં પ્રગટ થયેલા લેખોનો સંગ્રહ અને સાથે એક્સરસાઇઝ અને કરી શકાય તેવા ટાસ્ક પણ છે.

પુસ્તકનું વિમોચન કરતા લોકભારતી સણોસરાના મેનેજીંગ ડાયરેકટર અને જાણીતા વૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ કહ્યું કે, સર્જન તે સર્જકનું નૃત્ય છે. સૃષ્ટિમાં બધું જ આખરે તો આનંદ માટે છે અને આપણા વિચારો તેમાં સૌથી અગત્યના છે, આખરે બધું જ વિચારોમાંથી જ નિર્માણ થાય છે. આ વિચારબીજને યોગ્ય દિશા આપવાનું કામ અરવિંદ ત્રિવેદીએ કર્યું છે અને તેની નિસબતને અભિનંદન.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ વેદ ઉપનિષદના ઉલ્લેખ સાથે શ્રેય અને પ્રેય કાર્યની વાત કરી આ પુસ્તક દ્વારા અરવિંદ ત્રિવેદીએ શ્રેય કાર્ય કર્યાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે અરવિંદ ત્રિવેદીએ વાત કરતા જણાવ્યું હતું કે, આ પુસ્તક વસાવવા કરતાં વાંચવા, વિચારવા માટે છે. મારા ટ્રેનિંગ કાર્યક્રમો દરમિયાન લોકો મટીરીયલની માંગ કરતા તેના ફળસ્વરૂપે આ પુસ્તક તૈયાર થયું છે. ઉલ્લેખનીય છે કે, પુસ્તક દ્વારા થનારી આવક ‘ભાવનગર વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ’ને આપવામાં આવનાર છે.

આ પ્રસંગે ઉદ્યોગપતિઓ જતીનભાઈ ઠક્કર, કુતુબભાઈ કપાસી, અચ્યુતભાઈ મહેતા, શિક્ષણવિદ્ નલીનભાઇ પંડિત, સિનિયર સિટીઝન કાઉન્સિલના બકુલભાઈ ચાતુર્વેદી, પ્લાસ્ટિક મે. એસો.ના ભુપતભાઇ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે પ્રાથના ડૉ. ભાવના મહેતા – અંધારીયાએ પ્રસ્તુત કરી હતી તો સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નરેશ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ “ગ્રીન સિટી” દ્વારા આ ઉપસ્થિતિ લોકોને વૃક્ષારોપણ માટે રોપ વિતરણ પણ કરવામા આવ્યું હતું. પુસ્તક સ્ટુડિયો સાકાર, ઘોઘા સર્કલ પોસ્ટ ઓફિસની બાજુમાં, ગોવર્ધન કોમ્પલેક્ષ, ભાવનગર ખાતેથી મળી શકશે.



