સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. મણિપુર મુદ્દે આજે સંસદમાં હોબાળો થવાની શક્યતા છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢી, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને CPI(M)ના સાંસદ એલામારામ કરીમ સહિત અનેક સાંસદોએ સંસદમાં મણિપુર મુદ્દે ચર્ચા માટે નોટિસ આપી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે આજે અમે સંસદમાં મણિપુરનો મુદ્દો ઉઠાવીશું. વડાપ્રધાન આ મુદ્દે મૌન છે. તેમની પાસે 38 પાર્ટીની બેઠક બોલાવવા માટે સમય છે, પણ મણિપુર જવાનો સમય નથી. બીજી તરફ અમારી પાર્ટીના રાહુલ ગાંધી મણિપુર ગયા અને ત્યાંના લોકોને મળ્યા હતા.
વિપક્ષની પાર્ટીઓનું નવું ગઠબંધન મોનસૂન સત્રમાં મણિપુર હિંસા, દિલ્હી વટહુકમ, રાહુલ ગાંધીની સભ્યપદ રદ કરવા જેવા મુદ્દાઓ પર કેન્દ્રને ઘેરવાનો પ્રયાસ કરશે. આ સિવાય યુનિફોર્મ સિવિલ કોડ અને અદાણી-હિંડનબર્ગ કેસમાં જેપીસી તપાસની માંગ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે.આ પહેલા પીએમ મોદીએ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘મારું હૃદય દ્રવી ઉઠ્યું છે,ગુનેગારોને છોડવામાં નહીં આવે. મણિપુરની ઘટના કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. આ અપમાન આખા દેશનું થઈ રહ્યું છે. 140 કરોડ ભારતીયોને નીચું જોવા જેવું થયું છે.
હું તમામ મુખ્યમંત્રીઓને કાયદો અને વ્યવસ્થા કડક કરવા કહું છું. માતાઓ અને બહેનોની સુરક્ષા માટે સખત પગલાં ભરો. આ દેશમાં, ભારતના કોઈપણ ખૂણામાં કે કોઈપણ રાજ્ય સરકારમાં, રાજકીય વાદ-વિવાદથી ઉપર, કાયદો અને વ્યવસ્થા અને બહેનોનું સન્માન પ્રાથમિકતા છે. કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. મણિપુરની દીકરીઓ સાથે જે થયું તે ક્યારેય માફ કરી શકાય નહીં.
ખરેખરમાં, મણિપુરમાં ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલો 4 મે નો છે. રાજધાની ઇમ્ફાલથી લગભગ 35 કિ.મી. દુર કાંગપોકપી જિલ્લાની આ ઘટના છે. તેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રાજ્યમાં અઢી મહિનાથી વધુ સમયથી હિંસા ચાલી રહી છે.