મણિપુરમાં પીડિત બે મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. લાઈવ લો મુજબ બંનેએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે અપીલ કરી છે. ચીફ જસ્ટિસ ચંદ્રચુડની બેન્ચ આજે સુનાવણી કરશે.
આ તરફ આદિવાસી વિસ્તારોમાં અલગ વહીવટની માંગ સાથે કુકી મહિલાઓએ છેલ્લા પાંચ દિવસથી નેશનલ હાઈવે નંબર 102 બ્લોક કરી દીધો છે. કુકી સંગઠનોની હજારો મહિલાઓએ સેનાનાં દસ વાહનોને ટેંગ્નોઉપાલ ખાતે મોરેહ જતાં અટકાવ્યાં હતાં. જે બાદ સૈનિકોને એરલિફ્ટ કરીને મોરેહ મોકલવા પડ્યા હતા.
નેશનલ હાઇવે 102 ઇમ્ફાલને મ્યાનમારની સરહદે આવેલા મોરેહથી જોડે છે. થોડા દિવસો પહેલાં મ્યાનમારથી મણિપુરમાં 718 ગેરકાયદેસર પ્રવાસીઓ આ માર્ગ દ્વારા પ્રવેશ્યા હતા. સરકાર હવે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની બાયોમેટ્રિક ગણતરી કરી રહી છે. આદિવાસી સંગઠનોનું કહેવું છે કે બાયોમેટ્રિક ગણતરીના નામે સરકાર કુકી આદિવાસીઓના મોરેહ શહેરમાં મૈતેઈ સમુદાયના સુરક્ષા દળોને તહેનાત કરી રહી છે.




